Western Times News

Gujarati News

કાંકરીયા કાર્નિવલઃ કીર્તીદાન ગઢવીને રૂ.૬.૮પ લાખ તથા ગીતાબેન રબારીને ૩.પ૦ લાખ ચુકવાશે !

કાર્નીવલમાં દર વર્ષે સરેરાશ રૂ.ત્રણ કરોડનો ખર્ચ થતો હોવાનો અંદાજ:કેટરીંગ પેટે રૂ.પ૦ લાખ તથા લાઈટીંગ પેટે રૂ.૩૦ લાખનો કોન્ટ્રાકટ અપાયા

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ર૦૦૮ની સાલમાં ઐતિહાસિક કાંકરીયા તળાવનું નવીનીકરણ કર્યા બાદ તેના લોકાર્પણ સમયે કાર્નીવલનું આયોજન કર્યું હતું. તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દર વર્ષે કાર્નીવલનું આયોજન કરવા સુચન કર્યું હતું. તેથી ર૦૦૮ની સાલથી ડીસેમ્બર માસના અંતિમ સપ્તાહમાં કાંકરીયા પરિસરમાં કાર્નીવલનું આયોજન થાય છે. કાંકરિયા કાર્નીવલમાં નાગરીકો ના મનોરંજન ામટે ખ્યાતનામ કલાકારોના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

કાંકરીયા કાર્નીવલમાં કોને કેટલી રકમ ચૂકવાશે

તારીખ   કલાકાર પુરસ્કાર રકમ(રૂ)
૨૫-૧૨-૨૦૧૯ ભરત બારીયા રૂ.૨,૫૦,૦૦૦/-
૨૬-૧૨-૨૦૧૯ ગીતાબેન રબારી રૂ.૩,૫૦,૦૦૦/-
૨૭-૧૨-૨૦૧૯ જીગરદાન ગઢવી રૂ.૪,૦૦,૦૦૦/-
૨૮-૧૨-૨૦૧૯ વિશ્વનાથ બાટુંગે   રૂ.૩૦,૦૦૦/-
૨૮-૧૨-૨૦૧૯ હીરેન પરમાર  રૂ.૩૦,૦૦૦/-
૨૯-૧૨-૨૦૧૯ કીર્તીદાન ગઢવી રૂ.૬,૮૫,૦૦૦/-
૩૦-૧૨-૨૦૧૯ ઓસમાન મીર રૂ.૪,૫૦,૦૦૦/-
૩૧-૧૨-૨૦૧૯ સાંઇરામ દવે રૂ.૪,૫૦,૦૦૦/-
નોંધ :(૧) કિર્તીદાન ગઢવી, ઓસ્માન મીર તથા સાંઇરામ દવેને ઉચ્ચકક્ષાની હોટેલમાં ચાર-ચાર રૂમ તથા જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. (૨) ડે.મ્યુનિ.કમિશ્નર કક્ષાના ત્રણ અધિકારીઓની ટીમે તમામ દિવસના કાર્યક્રમો અને કલાકારો તેમજ તેમની ફી નક્કી કર્યા છે.

તેમજ સમગ્ર પરીસર ને રોશનીથી ઝળહળતું કરવામાં આવે છે. કાર્નીવલ દરમ્યાન ખડે-પગે સેવા અને સુરક્ષા કરતા મ્યુનિ. અને પોલીસ કર્મીઓ માટે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આમ, એકંદરે દર વર્ષના અંતિમ સપ્તાહમાં નાગરીકો ના મનોરંજનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. જેના માટે કયારેક ટેન્ડર પ્રક્રિયા થાય છે. તો કયારેક બારોબાર વહીવટ પણ થતો રહે છે. ર૦૦૮થી ર૦૧૮ સુધી રકમનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. જયારે ર૦૧૯માં પણ રૂ.ચાર કરોડ જેટલો ખર્ચ થઈ શકે છે. ચાલુ વર્ષે કાર્નીવલ દરમ્યાન ગીતાબેન રબારી, માયાભાઈ આહીર, કીર્તીદાન ગઢવી જેવા સુપ્રસિદ્ધ કલાકારોના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તેમને રૂ.ર.પ૦ લાખથી રૂ.૬.૮૦લાખ સુધીની રકમ આપવામાં આવી હોવાની ચર્ચા છે.


શહેરના નાગરીકોના પરસેવાની કમાણીમાંથી કેલેન્ડર વર્ષના અંતિમ સપ્તાહમાં “કાંકરીયા કાર્નીવલ”નું આયોજન થાય છે. જેમાં સામાન્ય નાગરીકો કરતા સરકારી કર્મચારીઓ અને રાજકારણીઓની સંખ્યા વધારે જાવા મળે છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સતત બારમા વર્ષે કાર્નીવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ખર્ચમાં પણ સતત વધારો થઈ રહયો છે. ર૦૦૯ની સરખામણીમાં ર૦૧૮માં લગભગ ત્રણ ગણો ખર્ચ થયો હતો. ર૦૧૯માં ડાયરાના ખ્યાતનામ કલાકારોના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.

તેમને ફી પેટે ખૂબ જ મોટી રકમ ચુકવવામાં આવી છે. સુત્રોએ જણાવ્યા મુજબ કાર્નીવલના બીજા દિવસે ગીતાબેન રબારી, પ્રથમ દિવસે ભરત બારીયા, ત્રીજા દિવસે જીગરદાન ગઢવી, પાંચમા દિવસે કિર્તીદાન ગઢવી, છઠ્ઠા દિવસે ઓલમાનમીર તથા અંતિમ દિવસે સાંઈરામ દવેના કાર્યક્રમ છે.  ભરત બારીયા એન્ડ ટીમને રૂ.ર.પ૦ લાખ, ગીતાબેન રબારીને રૂ.૩.પ૦ લાખ જીગરદાન ગઢવીને રૂ.ચાર લાખ, કીર્તીદાન ગઢવી એન્ડ ટીમને રૂ.૬.૮પ લાખ, ઓલમાન મીર એન્ડ ટીમને રૂ.૪.પ૦ લાખ તથા સાંઈરામ દવે એન્ડ ટીમને રૂ.૪.પ૦ લાખ આપવામાં આવશે. જયારે વિશ્વનાથ બાટુંગે ને રૂ.૩૦ હજાર હીરેન પરમારને પણ રૂ.૩૦ હજાર ફી પેટે આપવામાં આવશે.

જયારે સ્થાનિક સંસ્થાઓને રૂ.પ૦૦૧થી રૂ.૧૧ હજાર ચુકવાશે. સૌથી ઓછી રકમ રૂ.રપ૦૦ સુર સંગમ ઈવેન્ટસને આપવામાં આવી રહી છે. સુત્રોએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે કાર્નીવલ ગઢવી, ઓસમાન મીર તથા સાંઈરામ દવે માટે ઉચ્ચકક્ષાની હોટેલમાં ચાર-ચાર રૂમ તથા જમવાની વ્યવસ્થા પણ કરદાતાઓના ખર્ચથી કરવામાં આવી છે !

ર૦૧૯ ના કાર્નીવલમાં ફુડ પેકેટસ (કેટરીંગ) પેટે રૂ.પ૦ લાખનો કોન્ટ્રાકટ કોર્પોરેશનથી આપવામાં આવ્યો છે. સુત્રોનું માનીએ તો હેલ્થ વિભાગે કવોટેશન મંગાવ્યું હતું પરંતુ ભાવની રકઝક વચ્ચે વર્ક ઓર્ડર આપ્યો નથી છતાં દરરોજ અંદાજે બે હજાર ફુડ પેકેટ સપ્લાય થઈ રહયા છે. જેના માટે ફુડ પેકેટ દીઠ રૂ.૧૩૦ ચુકવવાની ગણત્રી છે. ગત વર્ષે આ જ સંસ્થાને રૂ.૮૬ લાખ ચુકવાયા હતા.

કાર્નીવલના દિવસો દરમ્યાન કાંકરિયા પરિસર ઝળહળી ઉઠે છે. જેના માટે રૂ.૩૦ લાખનો કોન્ટ્રાકટર બે કંપનીઓને આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે આઠ દિવસની રોશનીના પ્રમાણમાં રૂ.૩૦ લાખ ઘણી ઓછી રકમ છે.પરંતુ લાઈટખાતા અધિકારીઓ નુકશાનીની ભરપાઈ બીજા કામમાં કરી આપે છે. તેવી ચર્ચા પણ ચાલી રહી છે !

મ્યુનિ.કોર્પોરેશને ર૦૦૮ની સાલથી કાર્નીવલની શરૂઆત કરી છે. ર૦૦૮ના વર્ષમાં કાર્નીવલ ખર્ચના કોઈ જ આંકડા જાહેર કરવામાં આવ્યા ન હતા. તેમ છતાં તે સમયે રૂ.૧.પ૦ કરોડનો ખર્ચ થયો હોવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ ખર્ચમાં ઉત્તરોત્તર વધારો થઈ રહયો છે. ર૦૦૯ની સાલમાં રૂ.૧.૬પ કરોડ ર૦૧૦માં રૂ.ર.ર૦ કરોડ ર૦૧૧ માં રૂ.ર.૧પ કરોડ ર૦૧રમાં ૩.૦૮ કરોડ ર૦૧૩ માં રૂ.૩.૧પ કરોડ ર૦૧૪માં રૂ.૩.૧૦ કરોડ ર૦૧૬માં રૂ.૪.૦પ કરોડ  ર૦૧૭માં ૪.પ૦ કરોડ તથા ર૦૧૮માં રૂ.૪.૧૦ કરોડ ખર્ચ થયો હોવાનો અંદાજ છે. કાર્નીવલની શરૂઆત થઈ તે સમયે સ્પોન્શનરની જાહેરાતો થતી હતી.

પરંતુ ૧૧ વર્ષમાં તંત્રને કોઈ જ સ્પોન્શર્સ મળ્યા નથી. કાંકરિયા પરિસરમાં દસ-દસ દિવસથી રોશની અને મોઘેરા કલાકારોનો બોજ શહેરના કરદાતાઓ પર જ આવી રહયો છે. તદ્દઉપરાંત લાઈટએન્ડ સાઉન્ડ, મંડપ ડેકોરેશન, આતશબાજી વોકીટોકી સેટ, ફલાવર ડેકોરેશન વગેરેના ખર્ચ અલગ હોય છે. કાંકરિયા કાર્નીવલની ઉજવણીમાં સરેરાશ રૂ.ત્રણ કરોડનો ખર્ચ થઈ રહયો છે.

જેના હિસાબ જાહેર કરવામાં આવતા નથી. તેમજ ઓડીટ પણ થતા નથી. કાર્નીવલની જેમ જ બુકફેર, ફલાવર શો અનેપતંગ મહોત્સવ પાછળ પણ પ્રજાના રૂપિયાનું આંધણ થઈ રહયું છે. મ્યુનિ.કમીશ્નર વિવિધ સેવાઓ અને ગુનાઓની ગણત્રી કરી પ્રજા પાસેથી મોટી રકમની વસુલાત કરી રહયા છે. બીજી તરફ પ્રજાના મનોરંજનના નામે કરોડો રૂપિયાના આંધણ થઈ રહયા છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.