કોંગ્રેસે ધર્મના આધાર પર દેશનું વિભાજન કર્યું છે : અમિત શાહ
નવીદિલ્હી: લોકસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહે નાગરિક સુધારા બિલ રજૂ કર્યા બાદ વિપક્ષી સાંસદોએ ભારે ધાંધલ ધમાલ મચાવી હતી. આશરે એક કલાક સુધી શરૂઆતમાં આને લઇને ખેંચતાણ ચાલી હતી. બિલને ગૃહમાં રજૂ કરી શકાય છે કે કેમ તેને લઇને પણ ચર્ચા ચાલી હતી. વિપક્ષી સભ્યો દ્વારા બિલ લઘુમતિ વિરોધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા બાદ કેન્દ્રીયમંત્રી અમિત શાહે ૧૯૪૭માં દેશના વિભાજનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ધર્મના આધાર પર દેશનું વિભાજન કરવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. અમે આ કામ કર્યું નથી.
કોંગ્રેસ પાર્ટીએ ધર્મના આધાર પર દેશના વિભાજનનું કામ ન કર્યું હોત તો આજે આ સ્થિતિ ઉભી થઇ ન હોત. તેમણે કહ્યું હતું કે, પડોશી દેશોમાં મુસ્લિમોની સામે ધાર્મિક અત્યાચારની પ્રક્રિયા થતી નથી. બિલનો લાભ તેમને મળશે નહીં પરંતુ જા દેશ તેમને પણ લાભ આપવા માટે ખુલ્લીરીતે વિચારણા કરશે. ગૃહમંત્રી અમિત શાહે નાગરિક સુધારા બિલ ૨૦૧૯ને લાગૂ કરતા દાવો કર્યો હતો કે, આ બિલ લઘુમતિઓની વિરુદ્ધમાં નથી.
આ બિલ પર એક-એક પ્રશ્નનો જવાબ અમે આપી રહ્યા છીએ. ગૃહમંત્રીએ ખાતરી આપી હોવા છતાં ધાંધલ ધમાલ જારી રહી હતી. આ પ્રકારના બિલ ઉપર ગૃહમાં ચર્ચા થઇ શકે છે કે કેમ તેને લઇને પ્રશ્નો ઉઠાવાયા હતા. મોડેથી બિલને રજૂ કરવાને લઇને પણ મતદાન કરાવવામાં આવતા ગૃહમાં ૮૨ની તરફેણમાં ૨૯૩ મતે આ બિલને રજૂ કરવાની મંજુરી મળી ગઈ હતી.
આ પહેલા કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા અધિર રંજન ચૌધરીએ બંધારણની પ્રસ્તાવના અને નાગરિકોના મૂળભૂત અધિકારોના મુદ્દા ઉઠાવીને નાગરિક સુધારા બિલને બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધમાં ગણાવીને વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકાર કલમ ૧૪ની અવગણના કરી રહી છે. તૃણમુલ કોંગ્રેસના સાંસદ સૌગત રોયે કહ્યું હતું કે, બંધારણ સંકટમાં છે.
બંધારણની કલમ ૧૪ કહે છે કે, રાજ્ય, ભારતના રાજ્ય ક્ષેત્રમાં કોઇ વ્યક્તિને કાયદાની સમક્ષ આગળ વધવાની મંજુરી મળતી નથી. કોંગ્રેસના સાંસદ શશી થરુરે કહ્યું હતું કે, સંસદને આ પ્રકારના બિલ પર ચર્ચા કરવાના અધિકાર નથી. ભારતીય ગણતંત્રના મૂળભૂત મુલ્યોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, નાગરિકતા બિલનો વિરોધ કરનાર સભ્યોએ ગૃહના નિયમ ૭૨(૧)નો ઉલ્લેખ કર્યો છે.
તેમણે કહ્યું હતું કે, લોકસભા આ બિલ પર ચર્ચા કરવા અને તેને પસાર કરવા માટે પૂર્ણરીતે સક્ષમ છે. આ બિલ કોઇપણ આર્ટીકલનો ભંગ કરતું નથી. કલમ ૧૧ અને ૧૪નો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું હતું કે, આ બિલને લઇને કેટલાકને સમાનતાના અધિકારના ઉલ્લંઘન દેખાય છે પરંતુ સિટિઝન સુધારા બિલથી સમાનતાનો અધિકારના ભંગ થતાં નથી. અમિત શાહે વિરોધ પક્ષો ઉપર આકરા પ્રહાર કર્યા હતા.
દુનિયાભરના દેશો અલગ અલગ આધાર પર નાગરિકતા આપે છે. દરેક દેશ યોગ્ય વર્ગીકરણના આધાર પર નાગરિકતા આપે છે જ્યારે કોઇ દેશ કહે છે કે, તેના દેશમાં રોકાણ કરનારને નાગરિકતા આપશે તો ત્યાં સમાનતાની સુરક્ષા થઇ શકતી નથી.