ખૂન અને મારામારીનાં કેસોનાં આરોપીને બે પિસ્તોલ તથા કાર્ટીજ સાથે ઝડપી લેતી ક્રાઈમ બ્રાંચ
અમદાવાદ: શહેરમાં ઘાતક હથિયારોની હાજરી ખૂબ જ ચિંતાજનક હદે નોંધાઈ રહી છે. બહારગામથી આવતાં શખ્સો પોતાની સાથે લાવેલાં તમંચા, કટ્ટા અને પિસ્તોલોનો ધંધો ચલાવી રહ્યાં છે. જેમની ઉપર ક્રાઈમ બ્રાંચની બાજનજર છે. ગઈકાલે આવાં જ એક ઈસમને ક્રાઈમબ્રાંચે જુહાપુરામાંથી બે પિસ્તોલ તથા કાર્ટીજ સાથે ઝડપી લીધો હતો.
ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળતાં જ ટીમ જુહાપુરા બરફની ફેક્ટરીની આસપાસ છુટા છવાયાં ગોઠવાઈ ગયાં હતાં. દરમિયાન બપોરે દોઢ વાગ્યાનાં સુમારે અઝહર શેખ ઉર્ફે કિટલી (રહે.અલનિયાઝ સોસાયટી, લવલી પાર્ક, જુહાપુરા)ને ઝડપી લીધો હતો.
તપાસ કરતાં તેની પાસેથી બે પિસ્તોલ તથા એક કાર્ટીજ મળી આવી હતી. અત્રે ઊલ્લેખનીય છે કે અઝહર શેખ અગાઉ મારામારીનાં કેસોમાં પકડાઈ ચૂક્યો છે. ઊપરાંત ખૂન તથા અન્ય ગંભીર કેસોમાં પણ તે સંડોવાયેલો હોવાથી વેજલપુર પોલીસ તથા ક્રાઈમબ્રાંચ તેને શોધી રહી હતી.