ગોધરા ખાતે બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રણ જિલ્લાઓનો કલસ્ટર મેગા જોબ ફેર યોજાયો
ગોધરા:ગોધરા ખાતે ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓનો કલસ્ટર મેગા જોબ ફેર યોજાયો હતો. ગોધરાની શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મેદાન ખાતે યોજાયેલ આ ભરતી મેળા પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રોજગારી આપવાની બાબતમાં દેશભરમાં અગ્રક્રમે રહ્યું છે. લેબર બ્યુરો, ચંડીગઢના અહેવાલને ટાંકતા તેમણે ઉમેર્યુ હતું કે સમગ્ર ભારતનો બેરોજગારીનો દર ૧૦૦૦ વ્યક્તિએ ૫૦નો છે, જેની સામે ગુજરાતનો બેરોજગારી દર ૧૦૦૦ વ્યક્તિએ માત્ર ૯ છે.
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુવાનોને તેમની શૈક્ષણિક લાયકાત અનુસાર રોજગાર, અને સ્વરોજગાર ઈચ્છતા યુવાનોને જરૂરી માર્ગદર્શન, વાતાવરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે સફળ થવા માટે યુવાનોને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી બહારની દુનિયાનો અનુભવ લેવાની સલાહ આપી હતી, જેથી કારકિર્દી ક્ષેત્રે રહેલી વિવિધ તકોનો પરિચય થાય. તેમણે ઉમેર્યું હતું કે સારી તક મળતી હોય તો યુવાનોએ બહારનું પોસ્ટિંગ લેવામાં ખચકાટ કે ડર અનુભવવો જોઈએ નહીં. પંચમહાલ, દાહોદ અને મહિસાગરની રોજગાર કચેરીઓની કામગીરીનો ખ્યાલ આપતા તેમણે જણાવ્યું હતું કે આ કચેરીઓ દ્વારા વર્ષ ૨૦૧૯માં કુલ ૫૬ ભરતી મેળાઓનું આયોજન કરી કુલ ૯૭૭૪ ઉમેદવારોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે આ પ્રકારના રોજગાર મેળાઓના આયોજન પાછળ રોજગારવાંચ્છુઓને પોતાના કૌશલ્ય અનુસાર નોકરી મળે અને નોકરીદાતાઓને તેમની જરૂરિયાત અનુસારના કર્મચારીઓ મળે તે માટે એક પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો છે. તેમણે ઉપસ્થિત કંપનીઓને સ્થાનિક અને દિવ્યાંગ ઉમેદવારોને નિયમાનુસાર નોકરી આપવા, રોજગાર મેળામાં પ્રાથમિક પસંદગી બાદ નિમણૂંક આપવા સુધીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા વિનંતિ કરી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉમેદવારોને રોજગાર એનાયત પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણે આભારવિધી રજૂ કરી હતી. કાર્યક્રમમાં ઝાયડસ કેડિલા, એલિમ્બિક, એમ.જી. મોટર્સ, સીએટ, વેલસ્પન, સન ફાર્માસ્યુટિકલ્સ, એલઆઈસી સહિતની ૫૨ કંપનીઓ ઉપસ્થિત રહી હતી.
આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજી, પૂર્વ સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ, પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેના, રોજગાર અને તાલીમ વિભાગના રિજનલ ડાયરેક્ટરશ્રી, મામલતદારશ્રી સહિતના અધિકારીઓ અને નોકરીવાંચ્છુ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.