Western Times News

Gujarati News

ગુજરાત વીજ નિયમન આયોગ સમક્ષ વીજ ભાવ વધારો નહીં માગવાનો નિર્ણય

ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના વીજ વપરાશ કરતા ગ્રાહકોને વીજ ભારણનો બોજો ભાવ વધારાના સ્વરૂપે વીજ ગ્રાહકો ઉપર ન પડે તે માટે ગ્રાહકોના હિતમાં ગુજરાત વીજ નિયમન આયોગ સમક્ષ વીજ ભાવ વધારો નહીં માંગવાનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે.

ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વીજ વીતરણ વ્યવસ્થાનું આધુનિકરણ કરવામાં આવશે. વીજ વીતરણ વ્યવસ્થાનું આધુનિકરણ થવાથી વીજ વિતરણ દરમિયાન થતા ‘વીજ વિતરણ લોસ’માં ઘટાડો થશે, વીજ ખરીદીમાં ઘટાડો તથા વીજ વિતરણ કંપનીઓની કાર્યશક્તિમાં વધારો થશે અને વીજ ભારણ સરભર કરી શકાશે.

ઊર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૦-૨૧ માટે કુલ વસુલાત પાત્ર રાજસ્વની ૨કમ રૂા.૫૨,૩૮૯ કરોડ થાય છે, જેની સામે હયાત વીજ દર અને મંજૂર કરેલ વીજ વેચાણ (૮૭,૮૨૪ મિલિયન યુનિટ્સ) મુજબ વીજ ગ્રાહક પાસેથી થનાર અંદાજીત આવક રૂા.૫૧,૫૦૭ કરોડ થાય છે. આમ વર્ષ ૨૦૨૦-૨૧ માટે હયાત વીજ દર મુજબ ખાધની કુલ રકમ રૂા.૮૮૨ કરોડ થાય છે. MYT રેગ્યુલેશન મુજબ આ ખાધની ૨કમ ગ્રાહકના વીજ દ૨માં વધારા રૂપે વસુલ કરવાની થાય છે.

આ રૂા. ૮૮૨ કરોડની ખાધનું ભારણ જો તમામ કક્ષાના વીજ ગ્રાહકના દરમાં સમાન રીતે વધારો સૂચવવામાં આવે તો આશરે રૂા. ૦.૧૦ પ્રતિ યુનિટ થાય છે. જયારે આ ભારણ જો ખેત વિષયકે ગ્રાહકો સિવાયના અન્ય તમામ ગ્રાહકો પર લાદવામાં આવે તો આશરે  રૂા. ૦.૧૩ પ્રતિ યુનિટ થાય છે.

ઊર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ છે કે જ્યાં  ગ્રાહકોના હિતમાં ગુજરાત વીજ નિયમ આયોગ સમક્ષ ઘણા વર્ષોથી ભાવ વધારો માગેલ નથી. રાજ્યમાં ખેતી વિષયક વીજ વપરાશ પ્રતિ વર્ષ વધતો જાય છે એની સામે વીજ દરની સબસીડીને કારણે સરકારી ભારણ વધતું હોવા છતાં અંદાજે બે લાખ કૃષિ વિષયક વીજ ગ્રાહકોના હિતમાં એક સમાન વીજ દરનો મહત્વનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

સામાન્ય ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખતા અને વીજ દરના વધારાના ભારણથી મુક્ત રાખવાના આશયથી વીજ વિતરણ કંપનીઓએ વર્ષ ૨૦૧૮-૧૯ના ટ્રુ-અપ અને વર્ષ ૨૦૨૦-૨૧ના વીજ દર નક્કી કરવા માટે વીજ નિયમન આયોગ સમક્ષ દાખલ કરેલ પીટીશન અંતર્ગત વીજ દરમાં કોઈ વધારો માંગેલ નથી, પરંતુ આ રૂા. ૮૮૨ કરોડનું ભારણ વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતામાં સુધારો જેમ કે વીજ વિતરણ લોસમાં ઘટાડો તથા વીજ ખરીદીમાં ઘટાડો જેવા પગલાથી સરભર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.