ગ્રેટર નોઈડામાં ગાઢ ધુમ્મસના કારણે કાર નહેરમાં ખાબકતાં ૬નાં મોત
નોઈડા, ગાઢ ધુમ્મસના કારણે ગ્રેટર નોઈડામાં એક ભીષણ રોડ અકસ્માત સર્જાયો જેમાં ૬ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે ૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલો હાલ સારવાર હેઠળ છે. પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ રવિવારે રાતે લગભગ ૨૩ઃ૩૦ વાગે એક અર્ટિગા કાર સંભલથી દિલ્હી તરફ આવી રહી હતી. આ અકસ્માત દનકૌરમાં થયો. ગાઢ ધુમ્મસના કારણે પૂરપાટ ઝડપે દોડતી કાર પર ડ્રાઈવરનો કાબુ ન રહ્યો અને કાર ખેરલી નહેરમાં જઈ ખાબકી.
પોલીસે જણાવ્યું કે કારમાં ૧૧ લોકો હતાં. જેમાંથી ૫ લોકોને સામાન્ય ઈજા થઈ જ્યારે ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. ગંભીર રીતે ઘાયલોને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. ઘટનાસ્થળે પહોંચેલા ગૌતમબુદ્ધ નગરના એસપી રણવિજય સિંહે કહ્યું કે ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત થયો. દુર્ઘટના ઘટી ત્યારે કારની સાથે વધુ એક કાર પણ તેની જોડે જઈ રહી હતી જેમાં આ જ ભોગ બનેલા પરિવારના જ કેટલાક સભ્યો હતાં. મૃતકોમાં ૧. મહેશ -(મહેન્દ્રના પુત્ર) ઉંમર ૩૫ વર્ષ,૨. કિશનલાલ (પુત્ર) ઉંમર ૫૦ વર્ષ,૩. નીરેશ (પુત્ર રામદાસ) ઉંમર ૧૭ વર્ષ,૪. રામ ખેલાડી (પુત્ર રામફળ) ઉંમર ૭૫ વર્ષ,૫. મલ્લુ (શ્રપુત્ર ઝાસન) ઉંમર ૧૨ વર્ષ,૬. નેત્રપાલ (પુત્ર ગજરામ) ઉંમર ૪૦ વર્ષનો સમાવેશ થાય છે. પોલીસે આ અંગે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.