Western Times News

Gujarati News

ઘોડાસરમાં હિટ એન્ડ રન : એકટીવા ચાલકનું મોત

અમદાવાદ: શહેરના ઘોડાસર વિસ્તારમાં ગઈકાલે રાત્રે ઘોડાસર ચાર રસ્તા પાસે બીઆરટીએસ રૂટમાં હીટ એન્ડ રનનો ગમખ્વાર અકસ્માત બનાવ નોંધાયો હતો. બીઆરટીએસ કોરિડોરમાં બીઆરટીએસ બસની ટકકરથી ફેંકાઇ ગયેલા એકટીવાચાલક યુવકનું સામેથી આવતાં ફોર વ્હીલર વાહનની અડફેટે આવી જતાં કરૂણ મોત નીપજયું હતું. આ અકસ્માત મામલે જે ડિવિઝન પોલીસે બીઆરટીએસ બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


બનાવને પગલેસમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી, ખાસ કરીને યુવકના મોતને લઇ લોકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. અમદાવાદમાં બીઆરટીએસ બસના અકસ્માતોની ઘટનાઓ અટકાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ પ્રયોગો કરવામાં આવે છે, છતાં પણ બીઆરટીએસ બસ દ્વારા અકસ્માતોની ઘટના અટકતી નથી. અમદાવાદની વધુ એક બીઆરટીએસ બસે વધુ એક યુવકનો ભોગ લીધો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના જશોદાનગર વિસ્તારમાંથી જય ચૌહાણ નામનો યુવક એકટીવા પર જશોદાનગરથી બીઆરટીએસ કોરિડોરમાં ઘોડાસર તરફ જઈ રહ્યો હતો, ત્યારે બીઆરટીએસ બસે યુવકને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે એકટીવા સામેથી આવેલી ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં એકટીવા ચાલક યુવકને ગંભીર ઈજાઓ થતા જય ચૌહાણનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

અકસ્માત કરીને બીઆરટીએસ બસનો ચાલક બસ લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જા અકસ્માતની આ ઘટનાને લઈ પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ હતી કે, એકટીવા ચાલકનું મોત બીઆરટીએસ બસની ટક્કરથી નીપજયુ છે કે, સામેથી આવી રહેલી ફોર્ચ્યુનરની ટકકરે મોત થયું છે.

જો કે, આ ઘટનાને લઇ પ્રત્યક્ષ દર્શીઓ કહી રહ્યા છે કે, પહેલા બીઆરટીએસ બસે ટક્કર મારતા યુવક રસ્તા પર પડી ગયો હતો અને ત્યારબાદ કારે ટકકર મારી હતી. જા બીઆરટીએસ બસે યુવકને ટક્કર મારી હોય તો પણ તે ગુનો તો બને છે, તેથી હવે પોલીસ દ્વારા આ બનાવ અંગે કસૂરવારો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા સ્થાનિકોમાં માંગ ઉઠી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.