ચૂંટણી કમિશનર અશોક લવાસાનાં પરિવાર પર ૧૦ લાખની સ્ટેમ્પ ડ્યુટી ચોરીનો આરોપ
ચંડીગઢ, આવકવેરા વિભાગે હરિયાણા સરકારને ચૂંટણી કમિશનર અશોક લવાસાનાં પરિવાર દ્વારા કથિત સ્ટેમ્પ ડ્યુટી ચોરીની તપાસ કરવા કહ્યું છે. આરોપ છે કે અશોક લવાસાની પત્ની નોવેલ લવાસાએ ગુડગાંવમાં એક એપાર્ટમેન્ટ તેની બહેન શકુંતલા લવાસાને ટ્રાન્સફર કરવાના મામલામાં કથિત રીતે ૧૦ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચોરી કરી છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર આવકવેરા વિભાગે પણ નોવેલ લવાસા પર નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં આવકવેરાની ચુકવણીમાં ખલેલ પહોંચાડવાનો આરોપ મૂક્યો છે. આવકવેરા વિભાગે આ મામલાની તપાસ માટે હરિયાણાનાં અધિક મુખ્ય સચિવ અને નાણાકીય કમિશનરને પત્ર લખ્યો છે. મહેસૂલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં ફાઇનાન્સિયલ કમિશનર ધનપતસિંહે તેની પુષ્ટિ કરી છે. ધનપતસિંહે કહ્યું કે, તેમને ૨૭ નવેમ્બરનાં રોજ આ મામલે આવકવેરા વિભાગનો એક પત્ર મળ્યો છે.
તેને ૯ ડિસેમ્બરે ગુરુગ્રામનાં ડેપ્યુટી કમિશનર સાથે શેર કરવામાં આવ્યો છે. આ અંગે તેમની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. વળી, અશોક લવાસા અને તેના પરિવારનાં સભ્યોએ સ્ટેમ્પ ડ્યુટી ચોરીનાં આરોપોને નકારી દીધા છે. શકુંતલા લવાસાએ જણાવ્યું હતું કે, કાયદા પ્રમાણે તેણે ૧૦,૪૨,૨૨૦ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. વળી, અશોક લવાસાએ આ કેસમાં કહ્યું છે કે, સ્ટેમ્પ ડ્યુટીની કોઈ ચોરી થઈ જ નથી અને નિયત દર પ્રમાણે તે જવાબદાર વ્યક્તિ દ્વારા તેની ચૂકવણી કરવામાં આવી છે.
લવાસાએ જણાવ્યું હતું કે, હકીકતો શોધવી એ વિભાગનું કામ છે. અશોક લવાસાની પત્ની નોવેલ લવાસાએ આક્ષેપ લગાવ્યો છે કે, આ તપાસનાં બહાને આખા મામલામાં તેના પરિવાર અને તેની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવકવેરા વિભાગનાં અહેવાલ મુજબ, નોવેલ લવાસાનાં આવકવેરા વળતર બતાવે છે કે તેણે ગુરુગ્રામની ચાર માળની બિલ્ડિંગનો પ્રથમ માળ શકુન્તલા લવાસાને ૧.૭૩ કરોડમાં વેચી દીધો છે. આવકવેરા વિભાગનાં અહેવાલ મુજબ, નોવેલ લવાસાએ સંપત્તિનાં આ વેચાણ પર કોઈ કર ચૂકવ્યો નથી.