જામનગરઃ કેનાલમાં કાર ખાબકતાં ચારના મોત
જામનગરના જિલ્લાના ધ્રોલના ધ્રાંગા ગામના પાટીયા પાસે ઉંડ-૧ ડેમની કેનાલ પસાર થઇ રહી છે ત્યારે આ કેનાલ પરથી પસાર થઇ રહેલી એક ઇકો કારના ચાલકને અચાનક ઝોકું આવી જતા તેણે કારના સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી મારી સીધી કેનાલમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઇકો કારના ડ્રાઇવર હરેશ અરજણભાઇ કરથીયા (ઉ.વ.૩૫), રસીક ભીમાભાઇ કદાવાલા (ઉ.વ.૩૫), નારણ કરસન ચૌહાણ અને ટપુ કાના કારેણાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
જ્યારે ધીરૂભાઇ ભીમાભાઇ કદાવરાને ગંભીર હાલતમાં સારવાર માટે ધ્રોલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લોકોના ટોળેટોળા કેનાલ પાસે ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતાં દોડી આવેલી પોલીસે તમામના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી એટલે ખાલી હતી અને તેથી કાર પથ્થરોમાં પટકાઇ હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે એકસાથે ચાર વ્યકિતના કરૂણ મોત નીપજયા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ધ્રોલથી-જામનગર જતા ધ્રોલથી ૧૦ કિ.મી. દૂર ઉંડ-૧ ડેમની કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં આજે વહેલી સવારે ૫-૩૦થી ૬-૩૦ વાગ્યાની આસપાસ એક ઇકો કાર જે જામજોધપુરના જીણાવાડી ગામથી નીકળી જામનગરથી રાજકોટ તરફ આવી રહી હતી. પરંતુ ડ્રાઇવરને ઝોકું આવી જતા કાર કેનાલમાં પલ્ટી મારી ખાબકી હતી. જેમાં ઇકો કારમાં સવાર ચાર મુસાફરોનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઇકો કારમાં ડ્રાઇવર તરીકે હરેશભાઇ ડ્રાઇવીંગ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
આ અકસ્માત અંગે ધ્રોલ પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસની કામગીરી ચાલી રહી છે. મૃતકોના પરિવારજનોને બનાવની જાણ કરીને બોલાવાવમાં આવ્યા હતા. બે મૃતકો એક કુટુંબના હોવાનું તેમજ એક મૃતકની સાથે સારવાર માટે બાટલો પણ ફીટ કર્યો હોય તેઓ રાજકોટ હોસ્પિટલે સારવાર માટે આવતા હોવાનું જાણવા મળ્યું હતું. જા કે, બનાવને પગલે મૃતકોના પરિજનોમાં શોકનો માતમ પથરાયો હતો તો સાથે સાથે સમગ્ર પંથકમાં ચારના મોતના સમાચારને લઇ ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.