Western Times News

Gujarati News

ઝારખંડના ૧૧માં મુખ્યપ્રધાન તરીકે હેમંત સોરેનના શપથ

રાંચી: ઝારખંડમાં રવિવારે હેમંત શોરે પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. હેમંત સોરેનને રાંચીના મોરહાબાદી મેદાનમાં રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ હોદ્દા અને ગુપ્તતતાના શપથ લેવડાવ્યા હતા. હેમંત સોરેન સહિત કોંગ્રેસ અને આરજેડીના પણ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસ-આરજેડી ગઠબંધન સરકારના વડા હેમંત સોરેન ઝારખંડના ૧૧માં મુખ્યમંત્રી બન્યા હતા.


હેમંત સોરેનની સાથે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા આલમગીર આલમ અને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રામેશ્વર ઉરાંવે પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. રવિવારે આયોજિત હેમંત સોરેનના શપથ કાર્યક્રમ દરમિયાન મંચ પર વિપક્ષના તમામ ટોચના નેતાઓ ઉપસ્થિત  રહ્યા હતા. નવ સરકારના શપથ ગ્રહણ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, પૂર્વ રાજ્યસભા સાંસદ શરદ યાદવ, રાજ્યસભા સાંસદ સંજય સિંહ, આરજેડીના નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન  ખડગે, સુબોધકાંત સહાય, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સહિત તમામ ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય ડીએમકે નેતા એમકે સ્ટાલિન, જેએમએમના નેતા અને હેમંત સોરેનના પિતા શિબૂ સોરેન, પૂર્વ કેન્દ્રીયમંત્રી આરપીએન સિંહ, એનસીપીના નેતા સુપ્રિયા સુલે અને પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રઘુવરદાસ પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત  રહ્યા હતા

જ્યારે અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંજી, માકપા નેતા સીતારામ યેચુરી, તમિલનાડુમાંથી રાજ્યસભા સાંસદ કાનીમોજી, ભાકપા જનરલ સેક્રેટરી ડી રાજા, ડીએમકેમાંથી એમ કે સ્ટલિન આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ કાર્યક્રમમાં પહોંચ્યા. હેમંત સોરેનનો પરિવાર પણ સમારંભમાં પહોંચ્યો. મંચ પર હેમંતના પિતા શિબૂ સોરેન અને માં રૂપી સોરેન હાજર રહ્યાં. તેમની પત્ની સહિત પરિવારના બાકીના સભ્યો પણ સમારંભમાં હાજર રહ્યાં હતા. હેમંત સોરેને બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.


આ પહેલા હેમંતે જુલાઈ ૨૦૧૩માં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જેએમએમ-રાજદ કોંગ્રેસની સાથે મળીને તેમણે ૧ વર્ષ ૫ મહીના અને ૧૫ દિવસ સુધી સરકાર ચલાવી હતી. હેમંતના પિતા શિબુ સોરેન પણ ૩ વખત રાજયના સીએમ રહ્યાં છે. ત્રણે કાર્યકાળમાં તેઓ માત્ર ૧૦ મહીના ૫ દિવસ જ મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા, જે હેમંતના કાર્યકાળથી ખૂબ જ ઓછો સમય છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે ડેપ્યુટી સીએમ, સ્પીકર અને મંત્રી પદને લઈને ઝામુમો અને કોંગ્રેસની વચ્ચે શનિવારે મોડી રાત સુધી ખેંચતાણ ચાલતી રહી. આ કારણે મંત્રીમંડળનું સ્વરૂપ નક્કી થઈ રહ્યું નથી.

કોંગ્રેસ સ્પીકરની સાથે-સાથે ઉપ મુખ્યમંત્રીના પદની પણ માંગ કરી રહી છે, જેની પર ઝામુમો તૈયાર નથી. દિવસમાં પણ આરપીએન સિંહ અને અજય શર્મા હેમંતના ઘરે તેમને મળ્યાં હતા. ૪૪ વર્ષીય હેમંત સોરેનને ૨૪મી ડિસેમ્બરે ગઠબંધન તરફથી વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વિધાનસભા પક્ષના નેતા ચૂંટાયા બાદ હેમંત સોરેને રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ઝારખંડની ચૂંટણીમાં હેમંતસોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાએ સૌથી વધુ બેઠકો જીતી લીધી હતી. ઝારખંડ મુક્તિ  મોરચાને ચૂંટણીમાં ૩૦ બેઠકો જીતવામાં સફળતા મળી હતી.

આ ઉપરાંત પ્રદેશના પ્રમુખ વિપક્ષી દળ ભાજપને ચૂંટણીમાં ૨૫ બેઠકોથી સંતોષ માનવાની ફરજ પડી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આદિવાસી નેતા શિબૂ સોરેનના પુત્ર હેમંત આ ચૂંટણીમાં જેએમએમ-કોંગ્રેસ-આરજેડી ગઠબંધનના ચહેરા તરીકે રહ્યા હતા. ૧૯મી સદીના આદિવાસી નાયક બિરસા મુંડાને માનનાર હેમંત સોરેન રાજ્યના સૌથી ઓછી ઉંમરના મુખ્યમંત્રી તરીકે પણ રહી ચુક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.