તીડના આક્રમણને ખાળવા થરાદમાં કેમ્પ ઊભો કરાયો
થરાદનું રડકા ગામ સૌથી વધુ પ્રભાવિત, ફાલ્કન મશીનથી દવાનો છંટકાવ કરવામાં આવ્યોઃ ખેડૂતો અને તંત્ર ચિંતામાં
અમદાવાદ, પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી ઘૂસેલા કરોડો તીડ છેલ્લા બે સપ્તાહથી બનાસકાંઠા, કચ્છ, મહેસાણા સહિતના પાંચ જિલ્લાઓને ઘમરોળી રહ્યા છે. સરકારી તંત્રના અંદાજ મુજબ, આશરે સો કરોડથી વધુ તીડના ટોળા રાજયમાં આંતક મચાવી રહ્યા છે અને ગણતરીની મિનિટોમાં ખેતરોના ખેતરોના પાકનો સફાયો કરી રહ્યા છે.
ગઇકાલે પણ રાજયના ૧૦૦થી વધુ ગામોમાં તીડનો આતંક જોવા મળ્યો હતો અને છ હજાર હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં પાકનો સફાયો બોલાવી દીધો છે, ત્યારે હવે રાજયમાં તીડની ઉડતી આફતના વધી રહેલા આક્રમણને લઇ ખેડૂતો સાથે સરકાર પણ હચમચી ગઇ છે. મંગળવારે રાજસ્થાનમાંથી આવેલા વિનાશકારી તીડના ઝુંડે બુધવારે થરાદ તાલુકાના સાત ગામોમાં ખેતી પાકમાં સંપૂર્ણ સફાયો બોલાવી દીધો હતો. જેમાં રડકા ગામમાં સૌથી વધુ તીડ ત્રાટક્યા છે.
તેથી થરાદમાં કેમ્પ ઊભો કરી દવા છંટકાવ કરવા અત્યાધુનિક વાહનો તૈનાત કરાયા છે. મુંબઈથી દવાનો વધુ જથ્થો મંગાવાયો છે. તંત્ર દ્વારા હવે ફાલ્કન મશીનથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તીડના વધતા આક્રમણને લઇ પાલનપુર કલેક્ટર કચેરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી અને તીડને નાથવાના ઉપાયોની મહત્વની ચર્ચા થઇ હતી. થરાદ તાલુકાના ૧૫થી વધુ ગામોમાં તીડનું આક્રમણ છે તેમાં પણ રડકા ગામ વધુ પ્રભાવિત છે ત્યારે રડકા ગામ સહિતના વિસ્તારોમાં ટ્રેક્ટર અને જીપો સહિતના ૧૮ વાહનો દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જ્યારે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયના જોઈન્ટ ડાયરેક્ટર જે.પી.સિંહ અને કેન્દ્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. તીડના નિયંત્રણ માટે હવે ફાલ્કન મશીનથી પણ દવાનો છંટકાવ શરૂ કરી દેવાયો છે. આ મશીનથી આઠ મિનિટમાં જ એક એકરમાં દવા છાંટી શકે છે. થરાદમાં તીડના આતંક સામે અત્યાધુનિક દવા ફેંકવાનું ફાલ્કન મશીન પહેલીવાર જ ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. ફાલ્કન મશીનની ખાસિયત એ છે કે, ૩૦ ફૂટ દૂર ૮ ફૂટ ઊંચે દવા ફેંકી શકે છે. આવા ત્રણ નવા મશીનો મુકવામાં આવશે. જે એક દિવસમાં ૧૨૦ એકર કવર કરી લેશે. કરોડો તીડના ટોળાના આક્રમણને પગલે ખેતરોમાં ઉભેલા ઘઉં, રાયડો, રાજગરો, બટાકા સહિતના પાક ખેદાન-મેદાન થઇ ગયા છે અને પાકનો સફાયો થઇ ગયો છે.
દરમ્યાન બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, તીડની સ્થિતિને લઈ આગલા દિવસે ભારત સરકારના સેક્રેટરી સાથે વીડિયો કોન્ફરન્સથી વાત થઇ છે. આજે જોઇન્ટ ડાયરેક્ટર ડો.જે.પી. સિંઘ ઘટના સ્થળની મુલાકાત લઇ કલેકટર કચેરીમાં તમામ બાબતોની સમીક્ષા કરી છે. દવા બાબતે ખેડૂતોને સમજ અપાશે. વધુ ગાડીઓ પણ થરાદ મોકલાઇ છે અને દવા છંટકાવ કામગીરી માત્ર તીડગ્રસ્ત વિસ્તારોમાં જ કરાશે. તીડને આ તરફ આગળ આવવા નહીં દેવાય.
ઇરાન અને બલુચિસ્તાનમાં મેટિંગ માટે આ તીડ જઇ રહ્યાં હતાં. જે અસામાન્ય સંજોગોમાં આ તરફ વળી ગયાં છે. અહીં આવવાનું તેમને કોઈ કારણ નથી. આ સ્થિતિમાં જલ્દી સુધાર આવે તે માટે આખું તંત્ર કામે લાગેલું છે. દરમ્યાન કેન્દ્રના કૃષિ કલ્યાણ મંત્રાલયના જાઇન્ટ ડાયરેકટર ડો.જે.પી. સિંઘે દાવો કર્યો હતો કે, ભારત સરકારના કૃષિ કલ્યાણ મંત્રાલય દ્વારા ખૂબ તાકાતથી કામ કરાઇ રહ્યું છે. મેનપાવર અને મશીનરીની કોઇ કમી નથી. આવનારા દિવસોમાં સફળતા મળશે. રાજસ્થાનમાં પણ અનેક ટીમો કામ કરી રહી છે. માત્ર કેટલાક ઝુંડ ગુજરાતમાં આવ્યા છે. તેમની પર નિયંત્રણ આવી જશે. આ ઝુંડ બલુચિસ્તાન ઇરાન માઈગ્રેટ થઈ રહ્યું હતું. જે ભોજન માટે અહીં રોકાઈ ગયું છે.