Western Times News

Gujarati News

ત્રણ દિવસથી ગુમ MS યુનિ. વિદ્યાર્થિનીની હત્યા

વડોદરા: પાદરા તાલુકાના ચાણસદ ગામમાં રહેતી અને એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય વિદ્યાર્થિની ખુશ્બુ જાની છેલ્લા ત્રણ દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થઇ હતી. જોકે, શનિવારે મોડી રાત્રે ચાણસદ નજીકના તળાવમાંથી ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. વિદ્યાર્થિનીની ઠંડા કલેજે હત્યા કરી પ્લાસ્ટીકના મીણીયામાં લપેટી તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. વિદ્યાર્થિની સાથે કોઇ જબજસ્તી થઇ છે કેમ જાણવા પોલીસે પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

ચાણસદ ગામના લીમડીવાળા ફળીયામાં રહેતી ૨૦ વર્ષીય ખુશ્બુ અશ્વિનભાઇ જાની એમ.એસ.યુનિ.માં ટીવાય બી.કોમમાં અભ્યાસ કરતી હતી. ત્રણ દિવસ પહેલા ખુશ્બુ ભેદી સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. ખુશ્બુની દરેક જગ્યાએ તેના પરિવારજનોએ શોધખોળ કરી પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો નહતો, જેથી આખરે પરિવારે પાદરા પોલીસને આ બાબતની જાણ કરી હતી.

પોલીસે ગુમ થયેલી વિદ્યાર્થિનીની જાણવાજોગ અરજી સ્વીકારી લીધી પરંતુ કાર્યવાહીના નામે મીંડુ. દરમિયાન શનિવારે મોડી રાત્રે ચાણસદ ગામની બ્લેક હેવન નામની સ્કીમ પાસેના તળાવમાંથી ભારે દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તળાવમાંથી પ્લાસ્ટીકનું મીણીયું બહાર કાઢ્યું હતું. પ્લાસ્ટીકનું મીણીયું વાયરથી બાંધેલું હતું.

જેથી વાયર કાપી પ્લાસ્ટીક ખોલીને જોતા પોલીસ ચોંકી ઉઠી હતી. ખુશ્બુની ઠંડા કલેજે હત્યા કરી તેના હાથ અને પગ દોરડા વડે બાંધેલા હતા. તેમજ ખુશ્બુના માથા અને શરીરીના અન્ય ભાગે ઇજા હોવાનુ જાણવા મળ્યું હતું. ડી-કમ્પોઝ થઇ ગયેલા મૃતદેહને વડોદરા સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. પાદરા પોલીસે રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલવા ડોગસ્કવોડ અને એફ.એસ.એલ.ની મદદ લઇ તપાસ હાધ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.