Western Times News

Gujarati News

દાહોદની બે દિવ્યાંગ બાળા ક્રિકેટના મેદાનમાં લગાવે છે બાઉન્ડ્રીઝની બૌછાર

દાહોદ: કુદરતે શરીરના અંગોમાં આપેલી અપૂર્ણતાથી નિરાશ થવાની જરૂર નથી. જો તમારો હોંસલો બુલંદ હોય અને મનોબળ હિમાયલની જેમ અવિચળ હોય તો તમે ગમે તેવી શારીરિક ખામીને પરાસ્ત કરી લક્ષ્ય હાંસલ શકશો. તે વાતની સાબિતી દાહોદની બે વનકન્યાઓ આપે છે. ૮૦ ટકા દિવ્યાંગ હોવા છતાં પણ લલિતા અને ગીતા ડામોર નામની બે બાળા ક્રિકેટમાં મહારથિ બની છે અને રાષ્ટ્રીય કક્ષાની દિવ્યાંગો માટેની મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામી છે.

આ માટે ૧૫ થી ૩૦ નવેમ્બર સુધી તેઓને દિવ્યાંગો માટેના કોચીગ કેમ્પમાં વડોદરા ખાતે તાલીમ આપવામાં આવી હતી અને ત્યાર બાદ સમગ્ર દેશમાંથી પસંદ કરવામાં આવેલી ૪૦ છોકરીઓમાં ૬ ગુજરાતની છે અને તેમાં પણ ૨ છોકરીઓ લલિતા ડામોર અને ગીતા ડામોર દાહોદમાંથી પસંદગી પામી છે.

દાહોદના ધાનપુર તાલુકાના અંતરિયાળ ગામ ડુમકાથી લલિતાબેન અને ફતેપુરા તાલુકાના કુપડા ગામની ગીતાબેન ડામોર રહેવાસી છે. અનુક્રમે ૨૫ અને ૨૩ વર્ષની આ દીકરીઓએ મહિલા આઇટીઆઇમાંથી વિવિધ કોર્સ કર્યા હોય ત્યાંના શિક્ષકે તેમને વડોદરામાં દિવ્યાંગો માટે ક્રિકેટ માટેનો કોચીગ કેમ્પ થઇ રહ્યો હોવાની માહિતી આપી, આ કેમ્પમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.

લલિતા ડામોર ડાબા પગે ૮૦ ટકા જેટલા દિવ્યાંગ છે અને લાકડીના સહારે જ ચાલતા હોવા છતાં બેટીગ અને ફિલ્ડીંગમાં નિપુણતા મેળવી છે. જયારે ગીતાબેન ડામોર બંને હાથથી ૮૦ ટકા દિવ્યાંગ હોવા છતાં જાણીને આશ્ચર્ય થશે કે બેટીગ અને ફિલ્ડીંગમાં કુશળતા મેળવી છે. બંને હાથથી દિવ્યાંગ ગીતા કેચ પકડવામાં પાવરધી હોવાનું તેમના કોચ જણાવે છે.

આ ઉપરાંત બેટીગ પણ ખૂબ સારી રીતે કરી શકે છે. રસપ્રદ વાત તો એ છે કે આ બંને દીકરીઓ ક્રિકેટની એબીસી પણ જાણતી નહોતી અને આ અગાઉ એક પણ વખત ક્રિકેટ રમી નહોતી. તેમના કોચ નિતેન્દ્રસિંગે જ તેમને પ્રથમ વખત બેટ પકડતા શીખવ્યું હતું. ૧૫ દિવસ સુધી ચાલેલા આ કોચીગમાં રોજ છ કલાક જેટલો સમય પ્રેકટીકલ શીખવામાં આવતું હતું. બરોડા દિવ્યાંગ ક્રિકેટ એસોસીએશનના ચીફ કોચ નિતેન્દ્રસિંગએ ૪૦ જેટલી દિવ્યાંગ કન્યાઓને આ કેમ્પ દરમ્યાન ક્રિકેટની સઘન તાલીમ આપી હતી અને તે પણ ક્રિકેટ માટેના આવતા ખાસ લેધર સીઝન બોલ સાથે. આખા દેશના ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ જેવા વિવિધ રાજયોમાંથી આવેલી દિવ્યાંગ છોકરીઓને ક્રિકેટની તમામ બાબતોની પ્રેકટીકલ તાલીમ આપવામાં આવી હતી. આ માટે સ્પોટર્સ શૂઝ, બે જોડી ડ્રેસ, ક્રિકેટના સાઘનો વગેરે બરોડા ક્રિકેટ એસોસીએશન તરફથી પૂરા પાડવામાં આવ્યા હતા.

દિવ્યાંગ કન્યાઓને રહેવા જમવાની સગવડ માટે સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો. કોચીગ દરમ્યાન પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અંશુમાન ગાયકવાડ દિવ્યાંગ મહિલા ખેલાડીઓની મુલાકાતે આવ્યા હતા અને  આ દીકરીઓનું કેપ પહેરાવીને સમ્માન કર્યું હતું. દાહોદ જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર.પી.ખાંટા અને બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીંલના યુસીફી કાપડીયાએ પણ બંને દિવ્યાંગ ખેલાડીઓનું સન્માન કર્યુ હતું.

વિવિધ રાજયો વચ્ચે યોજાનારી દિવ્યાંગો માટેની ક્રિકેટ સ્પર્ધામાં પણ તેઓ ભાગ લેશે. આ ઉપરાંત ભવિષ્યમાં દિવ્યાંગો માટે યોજાનાર આંતરારાષ્ટ્રીય મેચમાં પણ તેઓ રમવા જશે તેમ તેમના કોચે જણાવ્યું છે. આમ દાહોદની વનકન્યાઓ રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા ઝળકાવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.