દિલ્હીના કૃષ્ણાનગર વિસ્તારમાં ભીષણ આગ, 40ને બચાવી લેવાયા
નવી દિલ્હી, દિલ્હીના કૃષ્ણાનગર વિસ્તારમાં આવેલી ચાર માળની બિલ્ડિંગમાં ગુરૂવારે વહેલી સવારે 2:15 કલાકે ભીષણ આગ લાગી હતી. સદનસીબે ત્યાં રહેતા 40 લોકોને ઘટનાની જાણ થતા તેઓ છત પર પહોંચી ગયા હતા અને જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.
કૃષ્ણાનગરના સિલ્વર પાર્ક પાસે આવેલી ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર ભંગારનું ગોદામ આવેલું હતું અને તેમાં રહેલા પ્લાસ્ટિકના કચરાના કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી. બિલ્ડિંગના ઉપરના ત્રણ માળમાં બનાવાયેલા રૂમોમાં પશ્ચિમ બંગાળથી આવેલા લોકો ભાડેથી રહેતા હતા અને આગ લાગી તે સમયે તેઓ પોતાના રૂમોમાં સૂઈ રહ્યા હતા. ધુમાડાના કારણે શ્વાસ રૂંધાવા લાગતા કેટલાક લોકોને આગ લાગી હોવાની જાણ થઈ હતી અને તેમણે અન્ય લોકોને જગાડીને સુરક્ષિત બહાર નીકળવામાં મદદ કરી હતી.
આગ લાગ્યાની ખબર પડતા જ લોકો જેમ-તેમ કરીને ધાબા સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી બાજુની બિલ્ડિંગના ધાબે જઈને તેમણે જીવ બચાવ્યો હતો. આગ લાગ્યાની જાણ થતા જ પોલીસ અને અગ્નિશામક વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે મહેનતથી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં ત્યાં રહેતા 40 લોકો સુરક્ષિત બચી ગયા છે અને કોઈને ઈજા પણ નથી પહોંચી. પોલીસે 13 બી ન્યૂ ગણેશ પાર્ક, ગલી નંબર-1 ખાતે આવેલી ઈમારતમાં આગ લાગવા અંગે મકાન માલિકની પૂછપરછ શરૂ કરી દીધી છે. જાણવા મળ્યા મુજબ તે સ્થળે એક ઈ-રિક્શા ચાર્જ થઈ રહી હતી અને ઓવરહીટિંગના કારણે આગ લાગી હતી.