દુનિયાભરમાં ૧૨૫ મિલિયન લોકો સોરાયસીસથી પીડાય છે
આહાર-જીવનશૈલીમાં ફેરાફર કરવાથી સોરાયસીસમાં ચોક્કસ રાહત મળી શકે છેઃ વૈદ્ય ભગવાનદાસ નાનકાણી
અમદાવાદ, આજની અત્યંત વ્યસ્ત જીવનશૈલીમાં વ્યક્તિ પ્રદૂષણ, કામના તણાવ અને બિનઆરોગ્યપ્રદ ભોજન વગેરેને કારણે ત્વચા સંબંધિત બિમારીઓનો સામનો કરી રહ્યાં છે, જે લાંબા સમય સુધી વ્યક્તિને પરેશાન કરે છે. ઘણીવાર લાંબા સમય સુધી સારવાર કરવા છતાં પણ બિમારી ઠીક થતી નથી અને દર્દી અંતે નિરાશ થઇ જાય છે.
સોરાયસીસ પણ આ પ્રકારની જ એક બિમારી છે, જે ઓટો ઇમ્યૂન ડિસઓર્ડર છે. પદ્ધતિસર ઇલાજ અને ધીરજ રાખવામાં આવે તો આ બિમારીથી છુટકારો મેળવી શકાય છે એમ જાણીતા વૈદ્ય ભગવાનદાસ નાનકાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, નેશનલ સોરાયસીસ ફાઉન્ડેશન (યુએસએ)ના મત અનુસાર વૈશ્વિક સ્તરે ૧૨૫ મિલિયન લોકો સોરાયસીસથી પીડીત છે. ભારતમાં એકથી ચાર ટકા વચ્ચે લોકોને આ બિમારી છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે આ બિમારીના લક્ષણો અને સંકેતો પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે તો વહેલી તકે નિદાન શક્ય બને અને તેને અંકુશમાં લઇ શકાય છે. સામાન્ય રીતે આપણે શરીર ઉપર ખંજવાળ અને ચકમાને જોઇને તેની અવગણના કરીએ છીએ તથા મોટાભાગની સ્થિતિમાં ઇન્ફેક્શન હોવાનું માની લઇએ છીએ.
જા કે, આ સ્થિતિને ગંભીર ગણીને નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. શરીર ઉપર લાલ ચકામા અને તેના ઉપર સફેદ રંગની ઉપલી ત્વચા, ત્વચામાં તિરાડ પડવી, પાણી જેવું દ્રવ્ય બહાર આવવું, ખંજવાળ અને બળતરા તેના લક્ષણ છે, જે મોટાભાગે કોણી, ઘુંટણ અથવા માથાની ત્વચાને પ્રભાવિત કરે છે. પશ્ચિમનું તબીબી વિજ્ઞાન હજી સુધી સોરાયસીસના કારણ નિશ્ચિત કરી શક્યું નથી.
જા કે, આયુર્વેદ માને છે કે વાયુ, કફ અને પિત્તમાંથી શરીરમાં કફનો બગાડ થાય, તેની વૃદ્ધિ કે વિકૃતિ થાય ત્યારે તેની અસરથી સોરાયસિસ થઇ શકે છે. સામાન્ય વ્યક્તિમાં જૂની કોશિકાઓને બદલવામાં અને નવી કોશિકાઓનું નિર્માણ થવામાં અંદાજે ૨૮ દિવસનો સમય લાગે છે, પરંતુ સોરાયસીસમાં ત્વચા માત્ર ૪-૫ દિવસમાં નવી કોશિકાઓનું ઉત્પાદન કરે છે. આ વધારાની કોશિકાઓનો ભરાવો શરૂ થઇ જાય છે અને વધારાની કોશિકાઓ લાલ, શુષ્ક અને ખંજવાળનું કારણ બને છે. વૈદ્ય ભગવાનદાસ નાનકણીએ ઉમેર્યું કે, આયુર્વેદમાં સોરાયસિસનો ઉપચાર શક્ય છે. જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને સોરાયસીસને કાબુમાં રાખી શકાય છે.
ક્યારેક ભૌગોલિક સ્થિતિમાં ફેરફાર કરવાથી એટલેકે રહેવાનું સ્થળ બદલવાથી પણ રોગમાં રાહત મેળવી શકાય છે. આ ઉપરાંત અત્યંત ગરમ અથવા એકદમ ઠંડા પાણીથી સ્નાન કરવાનું ટાળવું હિતાવહ છે. ખોરાકમાં રોજ સીંગ, અખરોટ કે બદામ લઇ શકાય, પરંતુ દૂધ-દહીં, માખણ, કેળા, સીતાફળ, પેરુ કે મેંદાની ચીજોથી દૂર રહેવું જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, આ બિમારીને ચામડીના બીજા રોગથી અલગ પાડવામાં વ્યક્તિઓ ગોથું ખાઇ જાય છે. ઘણાં તેને લેપ્રસી (રક્તપિત્ત) ગણી લે છે તો માથામાં સોરાયસીસ થાય અને ચામડી નીકળે તેને લોકો ખોડો માની લે છે.
બીજું કેટલાંક તબીબો સોરાયસિસ દૂર કરવાનો દાવો કરે છે, પરંતુ આ બિમારી ઉથલો મારી કે છે. જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર અને બિનઆરોગ્યપ્રદ ખાણી-પીણી ટાળવાથી ચોક્કસ રાહત મળી શકે છે. સોરાયસીસ થવાના સામાન્ય સંજોગોમાં હવામાન (અત્યંત ઠંડુ), તમાકુ અને દારૂનું નિયમિત સેવન મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે. વ્હાઇટ બ્લડ સેલ શરીરને બિમારીઓથી બચાવવા માટે કામ કરે છે અને બિમારી રોકવાની ક્ષમતાને ઇમ્યુનિટી કહેવામાં આવે છે. જો કોઇ વ્યક્તિને સોરાયસિસ હોય તો તેનો મતલબ તેની ઇમ્યૂન સિસ્ટમ નબળી બની છે. જીવનશૈલીમાં જરૂરી ફેરફાર અને કાળજી સાથે દવાઓ લેવાથી સોરાયસીસ મટી શકે છે અથવા રોગના લક્ષણોથી લાંબા સમય મુક્તિ મળે છે.