દુષ્કર્મ કેસ : બે સગા ભાઇની દસ વર્ષની સજા સ્થગિત થઇ
અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કોટડા ગામે યુવતીને ભરબજારમાંથી ઉઠાવી જઇ દુષ્કર્મ આચરવાના રાજયભરમાં ખળભળાટ મચાવનારા કેસમાં દસ વર્ષની સજા પામેલા બે સગા ભાઇઓએ ગુજરાત હાઇકોર્ટમાં ક્રિમીનલ અપીલ કરી નીચલી કોર્ટના સજાના હુકમને પડકાર્યો છે, જેમાં આરોપી ભાઇઓ તરફથી જામીન અરજી પણ દાખલ કરાઇ હતી. હાઇકોર્ટના જસ્ટિસ આર.પી. ઢોલરિયાએ બંને ભાઇઓની અપીલ દાખલ કરી હતી અને તેઓને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો.
વધુમાં, હાઇકોર્ટે કેસની કેટલીક હકીકતો અને વિગતો ધ્યાનમાં લઇ નીચલી કોર્ટે તેઓને ફટકારેલી દસ વર્ષની સજાને સ્થગિત કરતો હુકમ પણ કર્યો હતો. હાઇકોર્ટે બંને આરોપી ભાઇઓને અદાલતની પરવાનગી વિના ભારતની હદ નહી છોડવા, પીડિતા જે જગ્યાએ રહે છે તે વિસ્તારની હદમાં પ્રવેશ નહી કરવા અને પાસપોર્ટ જમા કરાવવા સહિતની આકરી શરતો સાથે રૂ.પંદર હજારના શરતી જામીન આપ્યા હતા.
ચકચારભર્યા દુષ્કર્મ કેસમાં આરોપી ભાઇઓ વિક્રમ હરચંદભાઇ ચૌહાણ અને દિનેશભાઇ હરચંદભાઇ ચૌહાણ તરફથી કરાયેલી અપીલમાં એડવોકેટ એચ.બી.ચંપાવતે જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં પીડિતાએ કરેલી ફરિયાદ વિલંબથી થયેલી છે અને ફરિયાદના ઘણા આક્ષેપો અને વાતો વિરોધાભાસી અને ઉપજાવી કાઢેલી છે. જે હકીકત ટ્રાયલ કોર્ટે અવગણી છે, તે યોગ્ય ના કહી શકાય.
પીડિતાએ આરોપીઓ પર તેણીને ભરબજારમાંથી ઉઠાવી ગયાનો આક્ષેપ કર્યો છે અને ત્યારે પીડિતાએ કોઇ બૂમાબૂમ નહોતી કરી તેવું ખુદ તેના નિવેદનમાં જણાવ્યું છે ત્યારે જા ભરબજારમાં કોઇ યુવતીને ઉઠાવવામાં આવે તો સામાન્ય લોકો પણ તેનો વિરોધ કરે અથવા તો આવું ગુનાહિત કૃત્ય થતુ અટકાવે તે સ્વાભાવિક છે, તેથી પણ યુવતીના આરોપ ખોટા અને વાહિયાત ઠરે છે. વળી, આ કેસના એક આરોપી દશરથ બુકોલીયા સાથે યુવતી અગાઉ ભાગી ગઇ હતી અને તેની સાથે લગ્ન કર્યા હોવાની વાત પણ સામે આવી છે.
બાદમાં હેબીયર્સ કોર્પસની સુનાવણીમાં યુવતી તેની મરજીથી તેના માતા-પિતા સાથે જતી રહી હતી અને બાદમાં અરજદાર સહિતના આરોપીઓને આ કેસમાં ખોટી રીતે સંડોવી દીધા છે. વાસ્તવમાં પીડિતાના નિવેદન સિવાય આરોપીઓને આ કેસમાં સંડોવતા કે પીડિતાની વાતને સમર્થન આપતાં કોઇ પુરાવા રેકર્ડ પર આવ્યા નથી. આ સંજાગોમાં કોર્ટે આરોપીઓની સજા અપીલની આખરી સુનાવણી ના થાય ત્યાં સુધી સ્થગિત કરવી જાઇએ અને તેઓને જામીન પર મુકત કરવા જાઇએ. એડવોકેટ એચ.બી.ચંપાવત તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે બંને આરોપી ભાઇઓને નીચલી કોર્ટે ફટકારેલી દસ વર્ષની સજા સ્થગિત કરી હતી અને તેઓને શરતી જામીન પર મુકત કર્યા હતા. હાઇકોર્ટે આરોપીઓની અપીલ પણ એડમીટ કરી હતી.