ધર્મના નામે મુસ્લિમોને ભ્રમિત કરવાના પ્રયાસો કરાયા છે : મોદી
નવીદિલ્હી: નાગરિક સુધારા કાનૂનની સામે દેશભરમાં જારી હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનથી દેશભરના તમામ લોકોને સીધો સંદેશ આપ્યો હતો. નાગરિક સુધાર કાનૂનને લઇને હિંસા ઉપર ઉતરેલા તોફાની તત્વોને પણ મોદીએ ખુલ્લો પડકાર ફેંકીને લોકોને સાવધાન કર્યા હતા. સાથે સાથે મોદીએ કહ્યું હતું કે, નાગરિક સુધારા કાનૂન અને એનઆરસીના મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કોંગ્રેસ, શહેરી નક્સલવાદીઓ અને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, ધર્મના નામ ઉપર મુસ્લિમોને ભ્રમિત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. વર્તમાન નાગરિક સુધારા કાનૂનને દેશમાં રહેતા ૧૩૦ કરોડ લોકોને કોઇ લેવા દેવા નથી. ૧૩૦ કરોડ લોકોની સુરક્ષાને લઇને કોઇપણ ભય નથી. બિનજરૂરી રીતે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. ધારણા પ્રમાણે જ મોદીએ આ રેલીમાં નામ લઇને વિરોધ પક્ષો ઉપર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ, એએપી, ડાબેરીઓ, ટીએમસી સહિતના પક્ષોની જારદાર ઝાટકણી કાઢી હતી.
બુદ્ધિજીવીઓ પોતાના શિક્ષણને માન આપીને આગળ વધે તે પણ જરૂરી હોવાની વાત મોદીએ કરી હતી. દિગ્ગજા દ્વારા મેળવવામાં આવેલા શિક્ષણને પણ બદનામ કરવાનું કામ કર્યું છે.
મોદીએ દાવા સાથે કહ્યું હતું કે, પાકિસ્તાનને સંપૂર્ણપણે ખુલ્લુ પાડી દેવાની તક ભારતને મળી હતી પરંતુ બિનજરૂરીરીતે હોબાળો મચાવી દઇને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ આતંકવાદ, માનવ અધિકાર સહિતના મુદ્દા ઉપર પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ખુલ્લુ પાડી દેવાની તક ગુમાવી દીધી છે. મોદીએ કહ્યું હતું કે, વિરોધ પક્ષો દ્વારા જુઠ્ઠાણા ફેલાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. જે લોકો કાગળ, સર્ટિફિકેટના નામ પર મુસ્લિમોને ભ્રમિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે તેમને યાદ રાખવાની જરૂર છે
કે, અમે ગરીબોની ભલાઈ માટે શરૂ કરવામાં આવેલી યોજનાઓના લાભાર્થીની પસંદગી કરવા ક્યારે પણ કાગળોની મર્યાદા મુકી નથી. કલ્યાણ યોજનાઓના લાભાર્થી હિન્દુ છે કે, મુસ્લિમ તે અંગે ક્યારે પ્રશ્ન કર્યા નથી. સુવિધાઓના લાભ તમામ લોકોને અને તમામ જાતિના લોકોને આપવામાં આવ્યા છે. આવાસોની ફાળવણી હિન્દુ-મુસ્લિમ જાઇને કરવામાં આવી નથી. ઉજ્જવલાના લાભ પણ હિન્દુ-મુસ્લિમોને જાઇને આપવામાં આવ્યા નથી.
આયુષ્યમાન ભારતના લાભ પણ હિન્દુ-મુસ્લિમને જાઇને આપી રહ્યા નથી. હિંસા ઉપર ઉતરેલા અને પોલીસને નિર્દયરીતે માર મારનાર તોફાની તત્વોની મોદીએ જારદાર ઝાટકણી કાઢી હતી. સાથે સાથે કોંગ્રેસ સહિતના પક્ષોએ શાંતિ સ્થાપિત થાય તેવા કોઇ પ્રયાસ ન કર્યા હોવાની પણ વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, સીએએને કેટલાક લોકો ગરીબોની સામે ગણાવી રહ્યા છે. આ લોકોનું કહેવું છે કે, જે લોકો આવશે તે અહીંના ગરીબોના હક લઇ જશે. જુઠ્ઠાણા ફેલાવનાર લોકોને ગરીબો પર દયા કરવા કોંગ્રેસને સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દેશમાં હાલમાં બે પ્રકારના લોકો રહેલા છે.
એક એવા લોકો છે જેમની રાજનીતિ દશકો સુધી વોટબેંક ઉપર કેન્દ્રિત હતી. બીજા એવા લોકો છે જેમને રાજનીતિના લાભ મળ્યા છે. જે લોકોને દેશના લોકોએ ફગાવી દીધા છે તે લોકો રાજનીતિ માટે ફરી હથિયારો લઇને મેદાનમાં આવી ગયા છે.