નવરંગપુરામાં ઓફિસમાંથી જ વિદેશી દારૂની હોમ ડીલીવરી
પોલીસે દરોડો પાડી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો : મેઘાણીનગરમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ફિલ્મી ઢબે કારનો પીછો કરી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ૩૧મી ડીસેમ્બરની ઉજવણી નિમિત્તે બુટલેગરો દ્વારા મોટાપાયે દારૂ ઘુસાડવામાં આવી રહયો હોવાથી પોલીસતંત્ર એલર્ટ થઈ ગયું છે અને અમદાવાદમાં પ્રવેશતા તમામ માર્ગો સીલ કરી વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
આ દરમિયાનમાં શહેરના નવરંગપુરા વિસ્તારમાં એક ઓફિસમાંથી વિદેશી દારૂની હોમ ડીલીવરી કરવામાં આવતી હોવાની બાતમી મળતા જ ગઈકાલે મોડી રાત્રે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે જયારે મુખ્ય સુત્રધાર ફરાર થઈ ગયો છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં બુટલેગરો સામે પોલીસ તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને ૩૧મી ડીસેમ્બરની ઉજવણી પૂર્વે વ્યાપક દરોડા પાડવામાં આવી રહયા છે આ દરમિયાનમાં શહેર પોલીસ કંટ્રોલ રૂમને બાતમી મળી હતી કે શહેરના નવરંગપુરા વિસ્તારમાં રાજકોટ બેંક અને એચડીએફસી બેંકની પાસે આવેલી એક ગલીમાં ઓફિસની અંદરથી વિદેશી દારૂની હોમ ડીલીવરી કરવામાં આવી રહી છે આ અંગેનો મેસેજ મળતાં જ કંટ્રોલ રૂમના અધિકારીઓએ નવરગપુરા પોલીસને જાણ કરી હતી.
જેના પગલે નવરંગપુરા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ગઈકાલે રાત્રે નવરંગપુરા પોલીસે એચડીએફસી બેંકની આગળ ગલીમાં વોચ ગોઠવતા પુનમ ફલેટમાં આવેલી ઓફિસોમાં શંકાસ્પદ હીલચાલ જાવા મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી મકાન નં.ર માં દરોડો પાડતાં અંદરનું દ્રશ્ય જાઈ તેઓ ચોંકી ઉઠયા હતાં ઓફિસમાં આરોપી પ્રકાશકુમાર દેવશીભાઈ શેઠ હાજર હતો તેની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે નજીકમાં જ મીઠાખળી સાંનિધ્ય ફલેટમાં રહે છે અને આ ઓફિસ પણ તેની જ છે પોલીસે ઓફિસમાં તથા ઓફિસના ભોંયરામાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે પ્રકાશકુમારને ઝડપી લઈ તેની પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી આ ઓફિસમાંથી તેઓ વિદેશી દારૂની હોમ ડીલીવરી કરતા હતા જેના પરિણામે આ ઓફિસમાં સતત માણસોની અવરજવર રહેતી હતી. વિદેશી દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો તે અંગે પુછતા પ્રકાશે કબુલ્યુ હતું કે સેટેલાઈટમાં રહેતો કૌશિક રાવલ નામનો શખ્સ વિદેશી દારૂનો જથ્થો લાવી તેને આપતો હતો.
ત્યારબાદ ઓફિસના ભોંયરામાં તેનો સંગ્રહ કરી હોમ ડીલીવરી કરવામાં આવતી હતી. પ્રકાશની આ કબુલાત બાદ પોલીસે સેટેલાઈટમાં રહેતા કૌશિક રાવલની શોધખોળ શરૂ કરી છે. ઓફિસમાંથી દારૂની ડીલીવરી થતી હોવાની વિગતો બહાર આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. નવરંગપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નવરંગપુરા ઉપરાંત મેઘાણીનગર વિસ્તારમાં પણ ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ ફિલ્મીઢબે એક કારનો પીછો કરી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. અધિકારીઓને બાતમી મળી હતી કે કુખ્યાત બુટલેગર કૈલાશ મારવાડીનો દારૂનો જથ્થો કારમાં લાવવામાં આવી રહયો છે જેના પગલે પોલીસ અધિકારીઓ બાતમીના આધારે વાડજ વિસ્તારમાં વોચમાં ઉભા હતા આ દરમિયાન બુટલેગરની સ્વીફટ કાર પસાર થતા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલકે કાર હંકારી મુકી હતી જેના પગલે ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ આ કારનો પીછો કર્યો હતો.
આ દરમિયાનમાં મેઘાણીનગર વિસ્તારમાં અચાનક જ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ડીવાઈડર સાથે અથડાઈ હતી અને આ તકનો લાભ ઉઠાવી ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ કારને ઘેરી લીધી હતી અને કારમાંથી નારાયણ નામના મુળ રાજસ્થાનના શખ્સની ધરપકડ કરી હતી આ ઉપરાંત કારમાંથી ર૮૬ બોટલ વિદેશી દારૂની જપ્ત કરવામાં આવી હતી. પકડાયેલા નારાયણની પુછપરછ કરતા તેણે કબુલ્યુ હતું કે આ દારૂનો જથ્થો કૈલાશ મારવાડીનો છે જેના આધારે હવે મુખ્ય સુત્રધારની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.