નાગરિકતા કાનૂન : રાહુલને અમિત શાહનો ખુલ્લો પડકાર
શિમલા: નાગરિકતા કાનૂનને લઇને કોંગ્રેસ પર ફરી એકવાર ગૃહમંત્રી અમિત શાહે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હુતં કે, કોંગ્રેસ એન્ડ કંપની અફવા ફેલાવી રહી છે કે, એક્ટ લઘુમતિઓની નાગરિકતા છીનવી લેશે. હિમાચલ પ્રદેશના પાટનગર શિમલામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રહાર કરતા અમિત શાહે કહ્યું હતું કે, રાહુલ બાબા હું તમને પડકાર ફેંકું છું કે, આ કાનૂનમાં એક પણ જગ્યાએ નાગરિકતા છીનવી જશે તેવું પ્રાવધાન છે તો બતાવી આપો. તેમણે કહ્યું હતું કે, દેશના તમામ મુસલમાન ભાઈ-બહેનોને અપીલ છે કે, પહેલા પોતે નાગરિકતા સંશોધન કાનૂનને સમજે અને ત્યારબાદ બીજાને સમજાવે નહીં તો ભ્રમ ફેલાવી રહેલી રાજનીતિક પાર્ટી પોતાની વોટબેંકના સ્વાર્થ માટે આપણે એકબીજા સાથે લડાવતી રહેશે.
શિમલામાં હિમાચલ પ્રદેશ સરકારના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અમિત શાહએ કહ્યું હતું કે, ૧૯૫૦માં નહેરુ-લિયાકત સમજૂતિ થઇ હતી જેના અંતર્ગત એ નક્કી થયું હતું કે, બંને દેશ પોતના ત્યાં લઘુમતિઓનું સંરક્ષણ કરશે. લાખો કરોડો શરણાર્થીઓની કોઈ ભાળ પણ લઇ રહ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અનેક પ્રસંગો પર નાગરિકતા સંશોધન કાનૂનનો વિરોધ કરતા કહ્યું હતું કે, આ બંધારણની વિરુદ્ધ છે. એટલું જ નહીં નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) અને એનઆરસી પર જારી ધાંધલ ધમાલ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સીએએ અને એનઆરસીને ગરીબો પર નાગરિકતાના ટેક્સ તરીકે ગણાવ્યું હતું. દેશનો સમય બરબાદ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, પહેલા ભારત અને ચીનને સમગ્ર દુનિયા એક ગતિ સાથે આગળ વધતા જાઈ રહ્યું હતું પરંતુ આજે ભારતમાં માત્ર હિંસા જ દેખાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, અર્થવ્યવસ્થા પરથી ધ્યાન હટાવવા માટે મોદી સરકાર નાગરિકતા કાનૂનને લઇને આવી છે.