નેપાળે 120 ચીની નાગરિકોની ધરપકડ કરી, 500 લેપટોપ જપ્ત કર્યા
કાઠમંડુ, ભારતના પાડોશી નેપાળ અને ચીન વચ્ચે વધતા જતા સહયોગ વચ્ચે નેપાળે પોતાની રાજધાની કાઠમંડુમાંથી 120 ચીની નાગરિકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી પાંચસોથી વધારે લેપટોપ પણ જપ્ત કરાયા છે.
ચીની નાગરિકો શંકાસ્પદ હિલચાલમાં સંડોવાયેલા હોવાની આશંકાથી કાઠમંડુ પોલીસે દરોડો પાડીને આ ચીની નાગરિકોને પકડયા હતા.પોલીસનુ કહેવુ છે કે, આટલી મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ગુનાહીત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની આશંકાથી પકડાયા હોય તેવુ પહેલી વખત બન્યુ છે. ચીનનો દૂતાવાસ પણ આ અંગે જાણતો હતો અને તેણે જેમની ધરપકડ થઈ હતી તેમનુ સમર્થન પણ કર્યુ હતુ. જોકે ચીને સત્તાવાર રીતે એવુ નિવેદન આપ્ય છે કે, આ મામલે અમે નેપાળની પોલીસને સાથ સહકાર આપ્યો છે.
ચીન પોતાના પાડોશી દેશ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સહકાર આપવા માટે તૈયાર છે. નેપાળ અને ચીન વચ્ચે ચીનના પ્રમુખ શી જીનપિંગની યાત્રા વખતે બંને દેશો વચ્ચે ગુનાઈત મામલામાં એક બીજાને સહાય કરવાની સંધિ પર કરાર થયા હતા.