પરિણામ બાદ કોંગ્રેસ દ્વારા દિવાળી જેવી ઉજવણી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણીના આજના પરિણામોએ ભાજપ જે પ્રકારે દિવાસ્વપ્નોમાં રાચતુ હતુ તે તેનો ભ્રમ બહુ ખરાબ રીતે ભાંગી નાંખ્યો છે. છમાંથી ત્રણ બેઠકો ગુમાવતાં ભાજપની બહુ ખરાબ રાજકીય હાર અને પછડાટ મનાઇ રહી છે કારણ કે, ગુજરાતમાં અને કેન્દ્રમાં જયારે ભાજપ સત્તામાં હતુ અને કલમ-૩૭૦ નાબૂદી અને તાજેતરમાં પાકિસ્તાન પર હુમલાના તમામ ઘટનાક્રમને પ્રચારમાં ઉતારવા છતાં ભાજપ રાજકીય જીત કે દબદબો હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું હતું.
ભાજપનું ગણિત કે અમિત શાહની ચાણકય નીતિ કે સ્થાનિક સંગઠન અને નેતાઓની રાજકીય વ્યૂહરચના કયાં નિષ્ફળ રહી તે મુદ્દે હવે મહામંથન ભાજપને કરવાનો સંકેત પ્રજાએ સ્પષ્ટ રીતે આજના પરિણામો પરથી આપી દીધો છે. બીજીબાજુ, કોંગ્રેસમાં આજના પરિણામોને લઇ ભારે હર્ષોલ્લાસ, ઉત્સાહ અને વિજયોત્સવનો માહોલ છવાઇ ગયો હતો. કોંગ્રેસ કચેરીએ ફડાકડા ફોડી, મીઠાઇઓ વહેંચી, ઢોલ-નગારા અને ત્રાંસાના નાદ વચ્ચે નાચી ઝુમી કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો.
કોંગ્રેસ માટે તો દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ સર્જાયો હતો તો, ભાજપ માટે ભર દિવાળીએ જાણે હોળી જેવો ઘાટ સર્જાયો હતો. કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ટ્રાફિક, પા‹કગ સહિતના મનઘંડત કાયદાઓ, પ્રજાને હેરાન-પરેશાન કરનારા નિયમો થકી ફરી એકવાર ગુલામીની ઝંઝીરમાં જકડવાનો પ્રયાસ ભાજપે કર્યો તેને પ્રજાએ જારદાર જડબાતોડ જવાબ આપ્યો છે.