પરિણીતા પર બળાત્કાર ગુજારી વીડિયો વાઈરલ કરવાની ધમકી
અમદાવાદ: મહિલાઓની કામનાં સ્થળ ઉપર થતી જાતીય સતામણી અને ખોટી રીતે તેમની મજબુરીનાં લાભ લેવાનાં બનાવો વધતાં રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેનાં કાયદાઓ ઘડવામાં આવ્યાં છે. અને મહિલાઓ માટે એક સાનુકુળ વાતાવરણ ઓફીસમાં મળી રહે એ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ માટે બનાવેલાં કાયદાઓનું કડક રીતે પાલન કરવામાં આવે એ અંગે પણ સરકાર દ્વારા સુચનાઓ આપવામાં આવી હોવા છતાં સમયાંતરે ઓફીસમાં બોસ અથવા ઊપરી અધિકારીઓ દ્વારા મહિલા કે યુવતીઓને લાલચ આપી અથવા મજબુરીનો લાભ ઊઠાવવાનાં કિસ્સા બહાર આવતાં રહે છે.
સમાજ માટે કલંકરૂપ આવો જ વધુ એક કિસ્સાની ફરીયાદ શહેરનાં વાડજ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. જેમાં નોકરી છોડીને જતી રહેલી પરણીતાને કામનાં બહાને પરત બોલાવી હતી. બાદમાં ઓફીસનાં સમય બાદ તેની સાથે જબરદસ્તી શારીરિક સંબંધો બાંધ્યા હતાં. એક વખત મહિલાનો લાભ લીધા બાદ વિડીયો વાઈરલ કરવાની ધમકી આપીને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેનાથી કંટાળી ગયેલી મહિલાએ વાડજ પોલીસને ફરીયાદ કરતાં ચકચાર મચી છે.
મૂળ જૂનાગઢની યુવતી ચારેક વર્ષ અગાઊ લગ્ન કરીને અમદાવાદમાં રહેવા આવી હતી. ૨૯ વર્ષીય આ યુવતીએ ઊસ્માનપુરામાં આવતી ક્રેડીટ કાર્ડ વેચવાની એક ખાનગી કંપનીમાં સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી શરૂ કરી હતી. જ્યાં અન્ય કેટલીક યુવતીઓ પણ નોકરી કરતી હતી. જ્યાં મુકેશ વિરબહાદુર રાજપૂત (વસ્ત્રાલ) અન્ય એક વ્યક્તિ સાથે મળીને ઓફીસ ચલાવતાં હતાં. મુકેશ રાજપુત સમયસર પગારં ન ચૂકવતાં આ પરણીતાએ નોકરી છોડી દીધી હતી.
જા કે મુકેશે પરણીતાનાં પતિ સાથે વાત કરીને પતિની ઓફીસમાં જ કામ કરવા આપ્યું હતું. અને એક ક્રેડીટ કાર્ડ વેચતાં રૂપિયા ૮૦૦ આપવાની ઓફર કરી હતી. થોડા સમય બાદ મુકેશે ફરીથી નોકરી શરૂ કરવાની ઓફર કરતાં પરણીતાએ તે સ્વીકારી હતી. દરમિયાન એક દિવસ ઓફીસનાં સમય બાદ પરણીતા ઓફીસની અન્ય યુવતીઓ સાથે બસ સ્ટેન્ડે ઊભી હતી ત્યારે મુકેશે ફોન કરીને ચાવી આપવાનાં બહાને ફરી ઓફીસ બોલાવી હતી.
જ્યાં તેની સાથે જબરદસ્તીપૂર્વક શારીરિક સંબંધો બાંધીને તેનો વીડિયો ઊતાર્યાે હતો. બાદમાં મુકેશ અવારનવાર તેની સાથે ઓફીસમાં જ શારીરિક અડપલાં કરતો ઉપરાંત વિડીયો વાઈરલ કરવાની ધમકી આપીને અવારનવાર પરીણીતાની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજારતો હતો. વારંવાર બનતી ઘટનાથી ગભરાઈ ગયેલી પરીણીતાએ પોતાની મિત્રને વાત કરતાં તે પણ ચોંકી ઊઠી હતી અને સાંત્વના આપી હતી. બાદમાં પરીણીતા હિંમત કરીને પતિ સાથે વાડજ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરીયાદ કરવા પહોંચી હતી. આ ઘટનાની પોલીસે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી છે.