પરેશ રાવલે શાહરૂખની ‘પઠાણ’ અને ‘જવાન’ને ભંગાર કહેનારાનો ઉધડો લીધો

પરેશ રાવલ ૪૦ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે – તમને ગમતી હોય તેવી ફિલ્મો જ બધાને પસંદ આવે તેવી અપેક્ષા રાખો એ ફાસીવાદ છેઃ પરેશ રાવલ
મુંબઈ, પરેશ રાવલ સ્પષ્ટ વક્તા તરીકે અને પોતાનો મત ખુલીને વ્યક્ત કરવા માટે જાણીતા કલાકાર છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં પરેશ રાવલે શાહરૂખની ‘પઠાણ’ અને ‘જવાન’ને ભંગાર કહેનારા લોકોનો ઉધડો લઈ નાંખ્યો હતો.
પરેશ રાવલ આર્ટ અને કમર્શિયલ એમ બંને પ્રકારની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, ત્યારે આ પ્રકારે ફિલ્મની ટીકાને તેમણે ફાસીવાદનો પ્રકાર ગણાવ્યો હતો. ૪૦ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રહેલા પરેશ રાવલે લોકપ્રિય ફિલ્મોને ભંગાર કહેનારા લોકો વિશે કહ્યું, “એ ફિલ્મો સફળ થઈ કારણ કે લોકોને એ ફિલ્મો ગમી.
એ ફિલ્મોને ભંગાર કહેનારા તમે છો કોણ?” આગળ તેમણે કહ્યું, “તમને જે ગમે અને શું ન ગમે એવું તમે કહી શકો છો, પરંતુ તમને ગમતી હોય તેવી ફિલ્મો જ બધાને પસંદ આવે તેવી અપેક્ષા રાખો એ ફાસીવાદ છે.”
તાજેતરમાં પરેશ રાવલની ફિલ્મ ‘ધ સ્ટોરીટેલર’ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે, ત્યારે આ પ્રકારની ફિલ્મ વિશે પરેશ રાવલ કહે છે, “જો પઠાણ જેવી કોઈ ફિલ્મ સફળ થાય છે, તો તમને ગમે છે એવું સિનેમા બનાવતા તમને કોણ રોકે છે. બનાવો. પણ બીજી ફિલ્મોને ગાળો આપવાનો શું મતલબ? બિલકુલ નિરર્થક છે.”
પેરેલલ સિનેમા પ્રત્યે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું વલણ બદલવા બદલ પરેશ રાવલે અનુરાગ કશ્યપના વખાણ પણ કર્યા હતા. પરેશ રાવલ માને છે કે, આ પ્રકારના ફિલ્મ મેકર્સે નવા લેખકો માટેની તકો વધારી છે. તેમણે કહ્યું, “અનુરાગ કશ્યપને કારણે આપણને વાર્તા કહેવાનો નવો પ્રકાર જાણવા મળ્યો. ઓટીટીએ પણ પ્રોડ્યુસર અને ઓડિયન્સની વિચારધારા બદલવામાં ભૂમિકા ભજવી છે.” આ સાથે પરેશ રાવલે થ્રી ઓફ અસ અને જોરામ જેવી ફિલ્મોના પણ વખાણ કર્યા હતા. SS1