પવિત્ર રમજાનમાં જ યુવકની હત્યા પાછળ જવાબદાર કોણ? પત્નિ કે અન્ય કોઈ

કેડિલા બ્રિજ પાસેથી નિર્મમ હત્યા કરાયેલી યુવકની લાશ મળી -છૂટાછેડા બાદ મૃતક યુવકની પત્ની તેના પ્રેમી સાથે રહે છે
(એજન્સી)અમદાવાદ, પવિત્ર રમજાન મહિનો શરૂ થઈ ગયો છે અને ઘણા સમય બાદ પત્ની અને બાળકોને મળી હસીખુશીથી ઘરે પરત આવી રહેલા એક યુવકની અડધું ગળું કાપેલી હાલતમાં કેડિલા બ્રિજ પાસેથી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી પત્ની તેના પ્રેમી સાથે વટવા ખાતે રહેતી હતી.
જો કે, થોડા સમય પહેલાં પતિ-પત્ની વચ્ચે સમાધાન થઈ જતાં તેમણે ફરીથી નિકાહ કરવાનું નક્કી કરી લીધું હતું. રમઝાન મહિનો પૂરો થાય તે પછી બન્ને નિકાહ કરવાના હતા પરંતુ તે પહેલાં તેની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી છે.
નરોડા પાટિયા વિસ્તારમાં આવેલી દિલીપની ચાલીમાં રહેતા સાબીરખાન ઉર્ફે સાજીદ ઝહીર મોહમ્મદ પઠાણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. સાબીરખાન પઠાણ ઈલેકટ્રીકનું કામ કરીને ગુજરાત ચલાવે છે.
સાબીરના પિતાનું આઠ વર્ષ પહેલાં અવસાન થયું હતું. જ્યારે તેની માતા સાબેરાબીબીનું બે મહિના પહેલાં અવસાન થયું હતું. સાબીરને પાંચ ભાઈ-બહેન છે જેમાં મોટી બહેન સાકેરાબાનુ, તેનાથી નાની નસીમબાનુ, જુલેખાબાનુ, રોશનબાનુ, સાહિનબાનુ અને નાનો ભાઈ અજીજખાન પઠાણ છે. સાબીરખાન તેની પત્ની શબનમબાનુ તેમજ બાળકો સાથે રહે છે.
અજીજખાનના નિકાલ વર્ષ ર૦૦૯માં કરિશ્માબાનુ સાથે સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા. નિકાહ બાદ અજીજખાન પત્ની કરીશમા સાથે નરોડા ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો. અઝીઝખાનને સંતાનોમાં ત્રણ બાળકો છે. જેમાં મોટી દીકરી રેહાનાબાનુ, દિકરો અલ્તમસ અને અર્શ. ત્રણ વર્ષ પહેલાં અજીજખાન અને કરિશમા વચ્ચે ઝઘડો થયો હતો.
જેના કારણે બન્નેએ છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ અજીજખાન ભાઈ સાબીર સાથે રહેતો હતો. જ્યારે કરીશમાબાનુ બાળકો સાથે વટવા ખાતે આવેલી જિયા મસ્જિદ પાસે ભાડાના મકાનમાં રહેતી હતી. કરિશમાબાનુ સાથે રાજુ સિંધી પણ રહેતો હતો. બે મહિના પહેલાં સાબેરાબીબીનું અવસાન થતાં કરીશમાબાનુ ઘરે આવી હતી.
અજીજખાન સહિત કટુંબના સભ્યોએ કરિશમાબાનુને ફરીથી સાથે રહેવા માટે કહ્યું હતું. જેથી તે રાજી થઈ ગઈ હતી. રમઝાન મહિના બાદ અજીજખાનના કરિશમાબાનુ સાથે નિકાહ કરવાનું પણ નક્કી થઈ ગયું હતું. બન્ને વચ્ચે સમાધાન થઈ જતાં અઝીઝખાન પત્ની કરિશમા અને બાળકોને મળવા માટે વટવા ખાતે પણ જતો હતો.
ગઈકાલે રાતે અઝીઝખાન પત્ની કરિશમા અને બાળકોને કપડા તેમજ ઘરખર્ચના છ હજાર રૂપિયા આપવા માટે નરોડાથી બાઈક લઈને નીકળ્યો હતો. કરિશમા અને બાળકોને કપડા આપ્યા બાદ રાતના ૧૧ વાગ્યાની આસપાસ અઝીઝખાન વટવાથી નરોડા આવવા માટે નીકળ્યો હતો.
મોડી રાતના દોઢ વાગ્યાની આસપાસ ગેરેજનું કામ કરતો સલમાન સાબીરખાનના ઘરે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે અઝીઝખાન મામલે ઈસનપુર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો અને તે તમને કેડિલાબ્રિજ પાસે બોલાવે છે. સાબીરખાન તરત જ પોતાનું બાઈક લઈને કેડિલાબ્રિજ પહોંચી ગયો હતો જ્યાં પોલીસની ગાડીઓ ઊભી હતી.
સાબીરખાને પોલીસ પાસે જઈને જોયું તો તેનું બાઈક પડયું હતું. જ્યારે અઝીઝની લાશ લોહીલુહાણ હાલમાં પડી હતી. અઝીઝખાનનું અડધું ગળું કપાયેલી હાલતમાં હતું જેથી સાબીરખાનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઈસનપુર પોલીસ અઝીઝખાનની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી હતી. ઈસનપુર પોલીસે અજીજખાનના મોતનો ગુનો નોંધીને આરોપીઓના મૂળ સુધી પહોંચવા માટે ચક્રોગતિમાન કર્યા છે
. અઝીઝખાનની હત્યા કોણે અને કેવી રીતે કરી તેનો પર્દાફાશ કરવા માટે પોલીસે પહેલાં સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું છે. અઝીઝખાનની હત્યાના મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ તેમની રીતે તપાસ શરૂ કરી છે. અઝીઝખાનની એટલી ક્રૂરતા પૂર્વક હત્યા થઈ છે તે જોતા લાગી રહ્યું છે કે કોઈએ પોતાની દુશ્મનાવટ મિટાવવા માટે આ કૃષ્ય આચર્યું છે.