પાટીદાર સમાજે સમય સાથે પરિવર્તન સ્વિકારી સર્વાગી વિકાસ સાધ્યો છેઃ પ્રફુલ પટેલ
ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞનો તૃતીય દિવસ –લક્ષચંડી મહાયજ્ઞના આયોજનથી સામાજીક સૌહાર્દનું વાતાવરણ ઉભુ થયું છેઃગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
ઉંઝાના ઉમિયાનગર ખાતે ચાલી રહેલા લક્ષચંડી મહાયજ્ઞના તૃતિય દિવસે દિવ, દમણ અને દાદરાનગર હવેલીના વહિવટદાર શ્રી પ્રફુલભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા તથા મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોએ મહાયજ્ઞના દર્શન કર્યા હતા.
વહિવટદાર શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજે સમય સાથે પરિવર્તનને સ્વિકાર્યું છે. પરિવર્તનને અનુરૂપ થઈ સામાજીક સમરસતાના ભાવ સાથે સમસ્ત સમાજના ઉત્થાનનું કાર્ય કર્યું છે. સાથે સાથે સાતત્યપૂર્ણ પ્રયાસો, પરીશ્રમ અને પૂરૂષાર્થના પરીણામસ્વરૂપ અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. લક્ષચંડી મહાયજ્ઞને ધાર્મિકની સાથે સામાજીક મેળાવડો ગણાવતા શ્રી પ્રફુલભાઈ પટેલે મહોત્સવના આયોજનમાં ધ્યાનમાં રાખવામાં આવેલી તમામ બાબતોની પ્રશંસા કરી હતી. મહોત્સવ દરમ્યાન ઉડીને આંખે વળગે તેવી સ્વચ્છતા જાળવવાની યોગ્ય વ્યવસ્થા બદલ આયોજકોને અભિનંદનઆપ્યા હતા.
માં ઉમિયાના ધામ ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞમાં સામાજીક સૌહાર્દના અનોખા ઉત્સવમાં હાજરી આપી દિવ્યતાની અનુભૂતી થઈ હોવાનું ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. સમગ્ર વિશ્વમાં પોતાની અલગ ઓળખ ઉભી કરનાર પાટીદારોએ ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરીને જ્ઞાતિ, જાતિ, ધર્મ અને કોમને એક જ આંગણે બેસાડી સામાજીક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ લક્ષચંડી મહાયજ્ઞ સમાજની એકતાને પ્રસ્થાપિત કરનાર સાબીત થશે. યજ્ઞમાં ૫૦ લાખથી વધુ ભક્તો શ્રદ્ધાના મહાસાગરમાં ઉમટી તેના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે જે ખરેખર આનંદની વાત છે. પુણ્યના આ મહાસાગરમાં દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી. જે સમાજ ઉપયોગી કાર્યો અને સમાજના દિકરા દિકરીઓને શિક્ષણની સાથે સર્વાગી વિકાસ થાય તે માટે પાટીદાર સમાજે એક અનોખી પહેલ કરી છે. જે અન્ય સમાજો માટે પણ પ્રેરણાદાયી છે.
ધર્મની ઉપાસના સાથે અર્થનું ઉપાર્જન કઈ રીતે થઈ શકે તે જોવું હોય તો ઉમિયાનગરમાં આવેલા વિશ્વભરના પાટીદારો પાસેથી શિખવા મળે. અહીં ઉભા કરાયેલા વિવિધ સ્ટોલમાંથી ધરતીપુત્રો પોતાની ખેતીની આવક બમણી કઈ રીતે થઈ શકે તેના અત્યાધુનિક ખેત પદ્ધતિઓની પણ સમજ મેળવી રહ્યા છે.
ઉમિયાનગર ખાતે ઉભા કરાયેલા બાલનગરીમાં બાળકોને આનંદ પ્રમોદની સાથે ધાર્મિકવૃત્તિથી જોડીને સંસ્કારોનું સિંચન કરવાનું કામ આ લક્ષચંડી યજ્ઞ થકી થઈ રહ્યું છે.દેશભરમાંથી આવતા સાધુ સંતો અને મહંતો લક્ષચંડી યજ્ઞ એક સેવાના યજ્ઞ સાથે સરખાવી ધર્મરક્ષણનું ઉત્કૃષ્ટ કામ થઈ રહ્યું હોવાનું સંતોષ વ્યક્ત કરે છે, તેમ ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ઉમિયા માતાજી સંસ્થાનના ટ્રસ્ટીશ્રીઓ, કલેક્ટર શ્રી એચ.કે. પટેલ, મહાયજ્ઞના ચેરમેન શ્રી બાબુભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.