પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાંખવાની ધમકી
નવી દિલ્હી, નાગરિકતા બિલના થઈ રહેલા વિરોધ વચ્ચે ભાજપના દિલ્હીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ગંભીરે પોલીસને આ અંકે પત્ર લખીને જાણકારી આપી છે.જેમાં ગંભીરે કહ્યુ છે કે, એક ઈન્ટરનેશનલ નંબર પરથી આવેલા ફોન કોલમાં મને અને મારા પરિવારને મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે.
આ મામલે મારી ફરિયાદ નોંધીને મને તથા મારા પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવે. ગંભીરનુ કહેવુ છે કે, ઈન્ટરનેશનલ કોલ પરથી મળેલી ધમકીના કારણે જ મેં પોલીસને આ બાબતે જાણ કરી છે અને સુરક્ષા આપવાની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે ,ગંભીરને આ ફોન કોલ બે દિવસ પહેલા આવ્યો હતો.દિલ્હીમાં પણ નાગરિકતા બિલ સામે પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે જ ગંભીરને મળેલી ધમકી કદાચ આ પ્રદર્શનના સંદર્ભમાં પણ હોઈ શકે છે.