પોલીસ સ્ટેશનમાં જ યુવકે હાઇકોર્ટમાં જવા અને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી
અરજીની કાર્યવાહી બાબતે પૂછનાર યુવકે પોલીસ સ્ટેશન માથે લીધું
હું હાઇકોર્ટમાં જઇશ અને તમને બધાને સસ્પેન્ડ કરાવી દઇશ તેવી ધમકી આપતા પોલીસે ઋષિ બુધ્ધદેવ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
અમદાવાદ,
અમદાવાદ શહેર પોલીસની કાર્ય પદ્ધતિ પર અનેક વાર સવાલો ઊભા થયા છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનમાં એક યુવકની માતાએ એક શખ્સ હેરાન કરવા બાબતે અરજી કરી હતી. જે અરજીની તપાસ પોલીસે ક્યાં કરી તે બાબતની જાણકારી માટે યુવક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યારે સ્ટાફના જવાબથી યુવકને સંતોષ ન થતાં તેણે પોલીસ સ્ટેશન માથે લીધું હતું. પોલીસે આટલા દિવસો સુધી તપાસ ન કરીને સીસીટીવી ફુટેજ પણ ન મેળવ્યા હોવાનો આક્ષેપ કર્યાે હતો.
બાદમાં યુવકે મારો આખો પરિવાર એડવોકેટ છે અને હું હાઇકોર્ટમાં જઇશ, તમને બધાને સસ્પેન્ડ કરાવી દઇશ તેવી ધમકી આપી હતી. જેથી બચાવ માટે પોલીસે જ આ યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આનંદનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ ધનરાજસિંહ દિપસિંહ ગુરુવારે પોલીસ સ્ટેશનમાં હાજર હતાં. તે સમયે ઋષિ બુધ્ધદેવ નામનો એક યુવક આવ્યો હતો. સાજન એપાર્ટેમેન્ટમાં રહેતા ઋષિની માતાએ રંગાભાઇ ચૌહાણ વિરુદ્ધ હેરાન કરવા બાબતની અરજી આપી હતી. જે બાબતે આગળ શું કાર્યવાહી કરવામાં આવી તેની માહિતી માગી હતી. ધનરાજસિંહએ અરજી ટેબલ પર તપાસ કરીને આ અરજીની તપાસ કોણ કરી રહ્યું છે તેની જાણકારી મેળવી હતી.
ધનરાજસિંહે તપાસ કર્યા બાદ ઋષિ બુધ્ધદેવને જવાબ આપ્યો હતો કે, તેમની માતાની અરજીની તપાસ જોધપુર ગામ પોલીસ ચોકી ખાતે થઇ રહી છે. ધનરાજસિંહે આ સંદર્ભે અરજીની તપાસ કરતા પોલીસ કર્મચારીને મળવા માટે કહ્યું હતું. તેવામાં ઋષિ બુધ્ધદેવ ઉશ્કેરાઇ ગયો હતો અને જોરજોરથી વાત કરીને પોલીસ સ્ટેશન માથે લીધું હતું. ઋષિ બુધ્ધદેવે પોલીસની કામગીરી પર સવાલો ઊભા કર્યા હતા અને આક્ષેપ કર્યા બાદ પોલીસે આટલા દિવસો સુધી સીસીટીવી લીધા હોવાનું કહીને હું હાઇકોર્ટમાં જઇશ અને તમને બધાને સસ્પેન્ડ કરાવી દઇશ તેવી ધમકી આપી હતી. યુવકે બૂમાબૂમ કરતા સર્વેલન્સ સ્કવોડ સહિતનો સ્ટાફ દોડીને આવી ગયો હતો. પોલીસ સ્ટેશનમાં રહેલા તમામ લોકોએ ઋષિ બુધ્ધદેવને શાંતિથી વાત કરવાનું કહેતા તે વધુને વધુ ઉશ્કેરાયો હતો. બાદમાં તેણે મારો આખો પરિવાર એડવોકેટ છે અને હું હાઇકોર્ટમાં જઇશ અને તમને બધાને સસ્પેન્ડ કરાવી દઇશ તેવી ધમકી આપતા પોલીસે ઋષિ બુધ્ધદેવ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.