બંગાળનો વધુ એક ઠગ કાલુપુરનાં વેપારીનું ૭૫ લાખનું સોનું લઈ ફરાર
અમદાવાદ: અમદાવાદનાં હાર્દ સમાન ગણાતાં જુનાં સીટી વિસ્તારમાં આવેલી રતનપોળનાં પોળનાં સોનીએ સ્કીમો બનાવીને અન્ય સોનીઓ પાસેથી રૂપિયા પડાવ્યા બાદ મોટી રકમ લઈને ફરાર થઈ જવાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી છે. ફરાર વેપારી આશરે દસ વર્ષથી રતન પોળ ખાતે દુકાન ધરાવતો હોવાથી વેપારીઓએ તેનાં ઊપર વિશ્વાસ મુક્યો હતો. જા કે છેતરપિંડીની જાણ થયા બાદ શેઠની પોળનાં એક ભોગ બનેલાં સોનીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવાની પહેલ કરતાં પોલીસ હવે સક્રિય થઈ છે. પ્રાથમિક તબક્કે આ વેપારીનાં ૭૫ લાખ રૂપિયા ડુબ્યા હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન અન્ય વેપારીઓ પણ સામે આવતાં રકમ કરોડોમાં પહોંચવાની શંકા છે.
આ અંગેની ઘટના એવી છે કે મણીનગર, વકીલની વાડી સામે આવેલાં શાહ એપાર્ટમેન્ટમાં રહેતાં બાનેશ્વર લક્ષ્મણ જાના નામનાં વેપારી કાલુપુરમાં શેઠની પોળમાં આવેલાં અદાલત ચેમ્બર્સમાં દુકાન ધરાવી સોના ચાંદીના દાગીના બનાવવાનું કામકાજ કરે છે.
જ્યારે નજીકમાં આવેલી રતનપોળની બાગન પોળમાં ભારતી ચેમ્બર્સમાં તાપસ ગોવિંદ મંડળ નામનાં વેપારી પોતાની દુકાનમાં દાગીના બનાવવાનો વેપાર કરતાં હતાં. તાપસ છેલ્લાં દસ વર્ષથી ધંધો કરતો હોઈ તમામ વેપારીઓ સાથે તેણે ઘરોબો કેળવ્યો હતો અને મૂળ પશ્ચિમ બંગાળનાં તાપસે તમામ વેપારીઓ સાથે મિત્રતા કેળવીને તેમનો વિશ્વાસ પ્રાપ્ત કર્યાે હતો.
બાદમાં ગયા વર્ષે તેણે ૨૮ વેપારીઓને એકત્ર કરીને ૨૮ મહિના માટે સોનાની સ્કીમ ચલાવવાની સ્કીમ શરૂ કરી હતી. જેનાં કારણે તમામ વેપારીઓએ તાપસને દર મહીને અમુક ગ્રામ સોનું આપવાનું શરૂ કર્યું હતું. ચાલાક તાપસે તેર જેટલાં હપ્તા દ્વારા ૨૮ વેપારીઓ પાસેથી ખુબ જ મોટાં પ્રમાણમાં સોનું પડાવી લીધઉં હતું. બાદમાં તેણે આવી વધુ એક સ્કીમ બહાર પાડી હતી. અને તેનાં નામે પણ સોનું ઊઘરાવ્યું હતું.
દરમિયાન ૧૦મી તારીખે શેઠની પોળમાં વેપાર કરતાં બાનેશ્વરભાઈને અન્ય વેપારીઓ દ્વારા તાપસ ગાયબ હોવાની જાણ થતાં તે ચોંકી ગયા હતાં. અને તુરંત રતનપોળમાં આવેલી દુકાને તથા દોલતખાના સારંગપુર ખાતે આવેલાં તેનાં ઘરે તપાસ કરતાં તાળાં મારેલાં મળ્યાં હતાં.
જેનાં પગલે ઘણી શોધખોળ કરવા છતાં તાપસ મળી ન આવતાં છેવટે બાનેશ્વરભાઈ કાલુપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અને મૂળ પશ્ચિમ બંગાળનાં મેદનીપુરનાં રહેવાસી-તાપસ વિરુદ્ધ ૭૫ લાખ રૂપિયાની કિંમતનું સોનું લઇ જઇ છેતરપિંડી કર્યાની ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદનાં પગલે પોલીસ પણ ચોંકી ઊઠી હતી અને તાપસને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ફક્ત બાનેશ્વર ભાઈ સાથે ૭૫ લાખની ઠગાઈ થઈ છે. પોલીસ તપાસ દરમિયાન અન્ય ૨૮ વેપારીઓની પૂછપરછમાં આ આંકડો કરોડોમાં પહોંચવાની સંભાવનાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદનાં વિવિધ વેપારીઓ સાથે થયેલી છેતરપિંડીમાં કેટલાંક આરોપીઓ કોલકત્તા કે વેસ્ટ બંગાળનાં હોવાનું સામે આવ્યું છે.