બંદૂકધારીએ ૬ને ગોળી માર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી
ઓસ્ટ્રાવા, ચેઝ રિપબ્લિકના પૂર્વમાં આવેલા ઓસ્ટ્રાવા શહેરમાં એક ૪૨ વર્ષના બંદૂકધારીએ ૬ લોકોને ગોળી મારીને પછી પોતે આત્મહત્યા કરી લીધી. ચેઝ રિપબ્લિકમાં ગોળીબારની લાંબા સમય પછી બનેલી આ ઘટના છે. આ અગાઉ વર્ષ ૨૦૧૫માં એક વ્યક્તિએ એક રેસ્ટોરન્ટમાં ૮ લોકોને ગોળી માર્યા પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આજની ઘટનામાં ૪ પુરુષ અને ૨ મહિલાનાં ગોળીબારમાં મોત થયા છે.
હોસ્પિટલમાં હત્યાકાંડ સર્જનારા વ્યક્તિનો હેતુ હજુ સુધી જાણવા મળ્યો નથી. ઓસ્ટ્રેવાની યુનિવર્સિટી હોસ્પિટલમાં સવારે જ્યારે ઓપીડી ચાલી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ૨,૯૦,૦૦૦ જેટલી વસતી ધરાવતું ઓસ્ટ્રાવા પોલેન્ડની બોર્ડર પર આવેલું છે અને ચેઝ રિપબ્લિકની રાજધાની પેરાગ્વેથી ૩૫૦ કિમી દૂર છે.
વડાપ્રધાન આન્દ્રેજ બેબિસે પત્રકારોને જણાવ્યું કે, આ એક વ્યક્તિગત કૃત્ય હતું. હત્યારો હોસ્પિટલમાં હત્યાકાંડ કર્યા પછી ઘરે પહોંચ્યો હતો અને ઘરે જઈને તેની માતાને કહ્યું કે, તેણે ગોળીબાર કરીને લોકોને મારી નાખ્યા છે અને હવે ખુદને પણ મારવા જઈ રહ્યો છે. આમ કહીને તેણે ખુદને માથામાં ગોળી મારી દીધી હતી.
આંતરિક બાબતોના મંત્રી જેન હેમસેકે જણાવ્યું કે, બંદૂકધારી હત્યારો હોસ્પિટલમાં હુમલો કર્યા પછી ફરાર થઈ ગયો હતો. જેના કારણે ૧૦૦થી વધુ પોલીસ અધિકારીઓએ તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. લગભગ અડધો કલાક પછી જ્યારે તેની કાર પર પોલીસનું હેલિકોપ્ટર ઉડી રહ્યું હતું ત્યારે તેણે ખુદને ગોળી મારી દીધી હતી. હત્યારાની ઓળખ સિટ્રેડ વિટાસેક તરીક થઈ છે અને તે બાંધકામ ક્ષેત્રનો ટેક્નિશિયન હતો. તે છેલ્લા દોઢ મહિનાથી મેડિકલ લીવ પર ઉતરેલો હતો-