બનાસકાંઠા જિલ્લામાં આજથી શાળા આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ થયો
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં આજથી શાળા આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ૯,૯૫,૪૪૭ બાળકોના આરોગ્યની તપાસ કરાશે. શાળા આરોગ્ય કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે જિલ્લામાં વિવિધ જગ્યાએ ધારાસભ્યો સર્વશ્રી કિર્તીસિંહ વાઘેલા, શ્રી મહેશભાઇ પટેલ, શ્રી શિવાભાઇ ભૂરીયા અને શ્રી જીગ્નેશભાઇ મેવાણીએ ઉપસ્થિત રહી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. તા.૩૦ જાન્યુઆરી-૨૦૨૦ સુધી શાળા આરોગ્ય કાર્યક્રમ યોજાશે.
ળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુથી ૧૮ વર્ષ સુધીના બાળકો, જેમાં શાળાએ જતા અને શાળાએ ન જતા તમામ બાળકોના આરોગ્યની ચકાસણી કરાશે. બનાસકાંઠા જિલ્લાની ૨૭૪૪-પ્રાથમિક શાળાઓ, ૫૪૪-માધ્યમિક શાળાઓ, ૩૪૯૯-આંગણવાડીઓ, ૬૯-અન્ય શાળાઓ એમ કુલ- ૬૮૫૨ સંસ્થાઓના વિધાર્થીઓના આરોગ્યની તપાસણી કરવામાં આવશે. જેમાં ૫,૨૩,૦૮૯-પ્રાથમિક શાળાના, ૧,૪૪,૫૮૫-માધ્યમિક શાળાના, ૩,૧૦,૨૬૪-આંગણવાડીના, ૧૨,૪૪૭- અન્ય શાળાઓ અને ૫,૦૯૨- શાળાએ ન જતા બાળકો મળી કુલ- ૯,૯૫,૪૪૭ બાળકોના આરોગ્યની ચકાસણી કરાશે.
શાળા આરોગ્ય તપાસણીમાં ૯૬- એમ.બી.બી.એસ.મેડીકલ ઓફિસર, ૯૩ આરબીએસકે મેડીકલ ઓફિસર,૧૩૮૮- ફિમેલ અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ૩૨૪૨ આંગણવાડી કાર્યકર, ૨૮૩૦ આશા બહેનો, ૨૦,૭૧૩-શિક્ષકો, ૧૧૩-મુખ્ય સેવિકા અને અન્ય-૨૮ જણાનો સ્ટાફ સેવા આપશે.
સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત દરેક ગામમાં પાંચ દિવસ સુધી શાળા આરોગ્ય ઉત્સવ તરીકે ઉજવવાશે. જેમાં રોજ વિવિધ આરોગ્યલક્ષી કામગીરી માટે થીમ વિભાગ પ્રમાણે નક્કી કરવામાં આવી છે. પ્રથમ દિવસે-સ્વચ્છતા દિવસમાં ગામ શાળાની સામાન્ય સફાઇ, પાણીના સ્ત્રોત, ગટરની સફાઇ, ઔષધિય વૃક્ષારોપણ.
બીજો દિવસ- આરોગ્ય ચકાસણી દિવસ- રજીસ્ટરમાં નોંધણી, પ્રાથમિક આરોગ્ય તપાસણી, ત્રીજો દિવસ- પોષણ દિવસ- દાદા-દાદી મીટીંગ, કુંટુંબ અને ગ્રામ આરોગ્યમાં વડીલોનો ફાળો, આરોગ્યપ્રદ પરંપરાગત પ્રથાઓ પર ચર્ચા, પૌષ્ટિક આહારની જરૂરીયાત, બાળ તંદુરસ્તીમાં રસીકરણની અગત્યતા, સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળ અંગે ચર્ચા, ચોથો દિવસ-તબીબી તપાસ- તબીબી અધિકારીઓ દ્વારા બાળકોની આરોગ્ય તપાસ, વાલી મીટીંગ, પાંચમો દિવસ- સાંસ્કૃતિક દિવસ- આરોગ્યપ્રદ રમતો, વકતૃત્વ સ્પર્ધા, બાળગીતો, નાટક વગેરે, ઇનામ વિતરણ, ગ્રામ સંજીવની સમિતિ મીટીંગ યોજાશે.