બસ કે ટ્રેનમાં મુસાફરીનો આનંદ
મોટાભાગના શાળા-કોલેજ અને નોકરી કરનારા લોકો બસ કે ટ્રેનમાં પોતાના ઘેરથી નીકળી પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચતા હોય છે. આમ બસ કે ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો અપ-ડાઉન કરતાં હોય છે. જેમને રોજ-બરોજ અવનવા અનુભવો થતા હોય છે આમ ઘણી વખત કેટલાંક અપ-ડાઉન કરનારા લોકોને કોઈ છોકરી સાથે પ્રેમ થાય છે અને તે લગ્નમાં પરિણમે છે.
બસ કે ટ્રેનમાં અવનવા લોકો સાથે પરિચય થાય છે. જેમાંથી ઘણાં લોકો રૂ.૧૫-૨૦ હજારની નાકરી કરતાં હોય અને જા કોઈ વખત બસ કે ટ્રેનમાં કોઈ પરિચિત સાથે ઓળખાણ થઈ જાય તો તેમનું નસીબ ખુલી જતું હોય છે અને તેમના જીવનમાં વળાંક આવી જતો હોય છે તો ઘણાં માત્ર બસ કે ટ્રેનમાં જાણે સમય પસાર કરવાનો હોય એમ ધીંગા મસ્તી કરતાં પણ જોવા મળે છે તો વળી કોઈ ઉદાસ ચહેરા સાથે મૂંગોમંતર બની બેસી રહે છે તો વળી કેટલાંક તો આપણે ન બોલીએ તો પણ સામે ચાલીને આપણી સાથે મિત્રતાનો હાથ લંબાવતા હોય છે.
બસ કે ટ્રેનમાં રોજબરોજ મુસાફરી કરતાં હોય એટલે સ્વભાવિક છે કે જેમાં યુવક-યુવતી, પુરૂષો અને મહિલાઓ પણ હોય જેમાં ઘણીવખત એકબીજાની આંખ મળે તો પછી વાતની શરૂઆત થાય છે અને પછી એમાંથી પ્રેમ થઇ જાય છે. જેમાં એક સાથે બે ઘર ભાંગતા હોય છે એટલે કહેવાનો મતલબ એટલો છે કે આવી પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે પરણિત પુરૂષ કે મહિલાએ ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ.
બસમાં કે ટ્રેનમાં અત્યારે અપડાઉન કરનારો જે વર્ગ છે તેમાં મોબાઈલ યુગ આવ્યા બાદ ઘણું પરિવર્તન આવ્યું છે એટલે લોકો બસ કે ટ્રેનમાં ચઢતાની સાથે જ જે જગ્યા મળે ત્યાં પોતાના મોબાઈલ ઊપર વ્યસ્ત જોવા મળે છે તો ઘણી યુવતિઓ તો ફોન ચાલુ કરી પોતાના અંગત મિત્ર જોડે વાત શરૂ કરે છે તેમની વાત જ્યારે સ્ટેન્ડ આવે ત્યાં સુધી ચાલુ રહે છે. અહીં એક યુવતિ કે જેના લગ્ન તાજેતરમાં થયા હતા પણ પોતાની બેનપણીને ફોન ઊપર જે શીખામણો આપતી હતી તેના ઊપરથી એમ લાગે કે આ યુવતિ કોઈ પીઢ મહિલા હશે !
ઘણી વખત બસ કે ટ્રેનમાં જગ્યા માટે ઝઘડા થતા હોય છે તો વળી કેટલાંક લોકોને ધીંગામસ્તી કરતા હોય તે પસંદ નથી આવતું એટલે ઝઘડા શરૂ થાય છે. અંતે રોજની રામાયણ છે એમ કહી મામલો થાળે પડી જાય છે. બસ સ્ટેન્ડ ઊપર બસની રાહ જોઈ ઊભેલા મુસાફરોમાં રોજબરોજની બસ મોડી આવવાની ફરિયાદ એક બીજા સાથે કરતાં હોય છે. આ સત્તાધીશો બસ માત્ર પોતાનાં જ ખિસ્સા ભરવામાંથી ઊંચા નથી આવતાં તેમને પ્રજાની કોઈ જ પડી નથી આમ કહી પોતાની હૈયા-વરાળ નીકાળતા હોય છે પણ કોઈ મુસાફર સત્તાધીશોને પોતાની ફરિયાદ કરવા જતા નથી. આમ બસ કે ટ્રેનમાં મુસાફરી કરવી ભલે અઘરી હોય છતાં તેમાં મજા તો આવતી જ હોય છે !