બોપલમાં ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં આવેલા એક વૈભવી ફલેટમાંથી બાતમીના આધારે પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં ૧૦ જણાંને ઝડપી લઈ તપાસ કરતા પાકિસ્તાન તથા દુબઈ સાથે તેના તાર જાડાયેલા હોવાનું જાણવા મળી રહયું છે. પોલીસે સ્થળ પરથી પ૭ જેટલા મોબાઈલ, પ લેપટોપ, તથા બે એલઈડી જપ્ત કરી સઘન તપાસ શરૂ કરી છે જયારે મુખ્ય સુત્રધાર ફરાર થઈ ગયો છે.
આ અંગેની વિગત એવી છે કે હાલમાં ક્રિકેટ ટેસ્ટ મેચની સીરીઝ ચાલી રહી છે અને તેના ભાગરૂપે ભારત, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયમાં ટેસ્ટ મેચો તથા વન-ડે મેચોનું આયોજન કરાયું છે હાલમાં પાકિસ્તાનમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે જયારે ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રલિયા વિ ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે. ક્રિકેટની સીઝન ચાલતી હોવાથી બુકીઓ પણ સક્રિય બનેલા છે અને કરોડો રૂપિયાનો સટ્ટો લઈ રહયા છે.
અમદાવાદ શહેરમાં પણ ઠેરઠેર ક્રિકેટ સટ્ટાની હાટડીઓ શરૂ થઈ ગઈ છે. જેની સામે પોલીસતંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે સાયબર સેલ દ્વારા પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાનમાં શહેરના બોપલ વિસ્તારમાં ક્રિકેટ સટ્ટાનું મોટુ રેકેટ ચાલતુ હોવાની બાતમી પોલીસને મળી હતી છેલ્લા બે દિવસથી પોલીસ બોપલ વિસ્તારમાં આવેલા આર્કીડ એલીગન્સમાં વોચ રાખતી હતી.
પોલીસ દ્વારા શરૂ કાયેલી તપાસમાં આર્કીડ એલીગન્સના ઈ- બ્લોકમાં કેટલાક શંકાસ્પદ શખ્સોની અવરજવર જાવા મળી હતી અને સાયબર સેલની મદદથી આ સ્થળે મોટી માત્રામાં મોબાઈલ ફોન એક્ટિવ હોવાનું જાણવા મળ્યું હતું જેના આધારે પોલીસે ગઈકાલે રાત્રે ઈ- બ્લોકના છઠ્ઠામાળે દરોડો પાડતાં જ ફલેટમાં હાજર યુવકોએ નાસભાગ કરી મુકી હતી.
પરંતુ પોલીસે તમામ શખ્સોને ઝડપી લીધા હતા અંદરનું દ્રશ્ય જાઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ફલેટમાંથી પોલીસે કુલ પ૭ મોબાઈલ ફોન કબ્જે કર્યાં હતાં આ ઉપરાંત પાંચ લેપટોપ, ર એલઈડી તથા અન્ય મુદ્દામાલ કબજે કરી તેની તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે.
પોલીસે પકડાયેલા તમામ ૧૦ આરોપીઓની પુછપરછ કરતા એક પછી એક ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર પોલીસ માની રહી છે કે અહીયાથી કરોડો રૂપિયાનો સટ્ટો લેવાતો હતો.
આ ક્રિકેટ સટ્ટાના રેકેટના તાર દુબઈ અથવા પાકિસ્તાન સાથે જાડાયેલા હોઈ શકે છે. પોલીસે પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા મુખ્ય સુત્રધાર તરીકે કાળુ ઉર્ફે કિશોરનું નામ જાણવા મળ્યુ હતું જાકે હાલમાં તે ફરાર થઈ છે. બોપલ પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.