બોરોસીલ કંપની દ્વારા પ્રદુષિત પાણી જાહેરમાં છોડવામાં આવતા ખેડૂતોને હાલાકી
કંપની દ્વારા છોડાયેલ પાણીના જે ખેતરમાં ખાડા ભરાઈ રહે છે તે ખેતર માલિકે છેલ્લા કેટલા વર્ષોથી તે જમીનમાં ખેતી કરવાનું છોડી દીધું. વારંવાર મૌખિક રજૂઆતબાદ પણ કંપની સંચાલકો દ્વારા આ બાબતે કોઈ પગલાં ભરવામાં આવતા નથી.
ભરૂચ: ઝઘડિયા અંકલેશ્વર હાઇવે પર આવેલ ગુજરાત બોરોસીલ કંપની દ્વારા છેલ્લા કેટલા વર્ષોથી તેના ગાર્ડનમાં આવેલ ખાળકૂવાનું તથા કંપનીના કાચ સફાઈનું પાણી ખાળકૂવામાં થઇ કંપની બહાર છોડવામાં આવી રહ્યું છે જે એક ખેડૂતના ખેતરમાં થઇ વહી રહ્યુ છે.અત્યંત દુર્ગંધ આવતી હોવાના કારણે કંપનીની બાજુમાં આવેલ ગોવાલીના ખેડૂત દ્વારા છેલ્લા કેટલા વર્ષોથી ખેતી કરવાનું છોડી દીધું છે.આ બાબતે ખેડૂતોએ વારંવાર કંપની સંચાલકો દ્વારા પ્રદુષિત પાણી બંધ કરવા ફરિયાદ કરી છે પરંતુ વહીવટદારોને ખિસ્સામાં લઈ ફરતા સંચાલકોએ તે તરફ ધ્યાન સુદ્ધા આપ્યું નથી.
ઝઘડિયા જીઆઈડીસી તેમજ તેની બહાર આવેલા ઉદ્યોગ ગૃહો દ્વારા સરે આમ કાયદાનું ઉલ્લંઘન કરી ઉદ્યોગો ચલાવાઈ રહ્યા છે.જવાબદાર ફેક્ટરી ઈન્સ્પેક્ટર,સેફ્ટી ઈન્સ્પેક્ટર,જીપીસીબીને ખિસ્સામાં રાખી ફરતા ઉદ્યોગ સંચાલકો માટે કંપની સંચાલન દરમિયાન સામાન્ય કાયદાનું પાલન કરવામાં આવતું હોઈ તેમ જણાતું નથી.જ્યાં જુઓ ત્યાં ઉદ્યોગ ગૃહો વિરૃદ્ધ સ્થાનિકોને આક્રોશ જોવા મળી રહ્યો છે.
આવીજ એક મોટી સમસ્યા ગોવાલી ગામનો ખેડૂત કરી રહ્યો છે.ગુજરાત બોરોસીલ કંપની દ્વારા તેમના બોરીદ્રા ગામ તરફના ગાર્ડનમાં એક ખાળકૂવો બનાવામાં આવ્યો.આ ખાળકૂવામાં કંપનીના પ્લાન્ટમાં થતા કાંચ સફાઈનું પ્રદુષિત પાણી પણ આવે છે અને એ ખાળકૂવાના પાણી સાથે પ્રદુષિત પાણી કંપનીની બહાર છોડવામાં આવી રહ્યું છે.
કંપનીની દીવાલને અડીને આવેલ ખેતરમાં જાહેરમાં આ પાણી વહી રહ્યું છે.કંપની બહાર કોઈ પણ પ્રકારનું વેસ્ટ બહાર કાઢી શકાય નહિ તે કાયદાને કંપની સંચાલકો છેલ્લા કેટલા વર્ષો થી ઘોરીને પીય રહ્યા છે.જ્યાર થી કંપની દ્વારા પાણી જાહેરમાં ખેડૂતના ખેતરમાં છોડાઈ રહ્યું છે ત્યારથી ખેડૂતે ખેતી કરવાનું છોડી દીધું છે.અત્યંત તીવ્ર દુર્ગંધ આવતી હોવાના કારણે આ વિસ્તારમાં કોઈ ફરકતું નથી એટલે કંપની સંચાલકોને છૂટો દોર મળી રહ્યો છે
ખેડૂત દ્વારા આ બાબતે વારંવાર કંપનીના સંચાલકોને ફરિયાદ કરી છે પરંતુ આટલા વર્ષોમાં પ્રદુષિત પાણી એક પણ દિવસ બંધ રહ્યું નથી.
સતત પાણી છોડવાના કારણે ખેતરમાં ઊંડા ખાડા પડી ગયા છે.ખેતર હાલમાં ખેતી કરવા લાયક રહ્યું નથી.સત્વરે લાગતા વળગતા અધિકારીઓ કંપનીની મુલાકાત લઇ બોરોસીલ વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ખેડૂતોને થતા નુકસાન અટકાવવા કાર્યવાહી કરે તેમ ખેતર માલિકો ઈચ્છી રહ્યા છે.