Western Times News

Gujarati News

બોર્ડર અધિકારીઓને રેસિડેન્ટ, વર્ક અને સ્ટડી પરમીટ વિઝા રદ કરવા છૂટો દોર અપાયો

હજારો ભારતીયોને અસર થશે

કેનેડાએ વિઝા રદ કરવા અધિકારીઓને સત્તા આપી

ઓટાવા, કેનેડાએ ઈમિગ્રેશનના નિયમોમાં વ્યાપક ફેરફાર કર્યાં છે. આ ફેરફારો અંતર્ગત બોર્ડર અધિકારીઓને દેશમાં ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા પર રહી રહેલાં લોકોના વિઝા રદ્દ કરવા માટે વધુ સત્તા આપી છે. કેનેડાએ નિયમોમાં કરેલાં આ ફેરફારથી હજારો ભારતીયોને અસર થવાની શક્યતા છે. ન્યૂ ઈમિગ્રેશન એન્ડ રિફ્યુજી પ્રોટેક્શન રેગ્યુલેશન હેઠળ બોર્ડર અધિકારીઓને ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (ઈટીએ) તથા ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા(ટીઆરવી) રદ કરવાની વધુ સત્તા અપાઈ છે. વિઝા લેવા માટે ખોટી માહિતી પૂરી પાડવી અથવા ગુનાઈત ઈતિહાસ હોવો જેવી વ્યક્તિગત સ્થિતિ અથવા પરિસ્થિતિમાં બદલાવના સંજોગોમાં બોર્ડર અધિકારીઓ ઈટીએ અથવા ટીઆરવી રદ્દ કરી શકશે.

આ નવા નિયમોને પગલે વર્ષે આશરે ૭૦૦૦થી વધુ ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા, વર્ક પરમીટ અને સ્ટડી પરમીટ વિઝા રદ્દ થવાની શક્યતા છે. કેટલાંક પ્રવાસીઓને તો એરપોર્ટ પરથી જ સ્વદેશ પરત મોકલી દેવાશે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ તેના વિઝાની સમયમર્યાદા બાદ કેનેડા છોડી પરત નહીં જાય તેવી ખાતરી ના થાય અથવા તો વહીવટી ભૂલને કારણે તેને કેનેડામાં રહેવાની મંજૂરી અપાઈ છે તેવું જણાય તેવા કિસ્સાઓમાં પણ અધિકારીઓ તેમના વિઝા રદ્દ કરી શકશે.આ સુધારેલાં નિયમો ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫થી અમલી બનાવાયાં છે અને તેને કેનેડા ગેઝેટ -૨માં પણ પ્રકાશિત કરાયાં છે. આ ફેરફારથી ભારતીયો ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, ટેમ્પરરી રેસિડેન્ટ વિઝિટર્સને અસર થશે.ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા ઈચ્છતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા પ્રથમ પસંદગીનો દેશ છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યાં અનુસાર, હાલમાં આશરે ૪.૨૭ લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યાં છે. નવા સુધારાયેલા નિયમોમાં કેનેડાના ઈમિગ્રેશન માળખામાં શ્રેણીબદ્ધ પરિવર્તન કરાયા છે. જેમાં સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) વિઝા પ્રોગ્રામ રદ્દ કરવાના નિર્ણયનો પણ સમાવેશ થાય છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.