ભારતના વિકાસમાં ઈન્સ્ટીટ્યૂશન્સનું અમૂલ્ય યોગદાન : પૂર્વ રાષ્ટ્રપતિ
IIM-A ખાતે શ્રી પ્રણવ મુખર્જીનું સંબોધન (Pranav Mukherjee at Ahmedabad IIM, gujarat)
ભારતના વિકાસમાં ઈન્સ્ટીટ્યૂશન્સનું અમૂલ્ય યોગદાન છે, તેમ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ જણાવ્યું છે. આઈ.આઈ.એમ-અમદાવાદ ખાતે ‘ભારતમાં જાહેર નીતિ અને સંસ્થાઓની ભૂમિકા’( Public Policy in India and Role Played by Institutions) વિષય પર વિદ્યાર્થીઓને સંબોધતા શ્રી મુખર્જીએ કહ્યું કે, આઝાદીથી માંડીને આજદિન સુધી દેશમાં વિવિધ ઈન્સ્ટીટ્યૂશન્સે તેની ભૂમિકા અસરકારક રીતે ભજવી છે. તેમણે આ અંગે બંધારણીય, વૈધાનિક, નાણાકીય સંસ્થાઓના ઉદાહરણ આપ્યા હતા.
આઇ.આઇ.એમ. અમદાવાદ ખાતે આયોજીત વ્યાખ્યાનમાં પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ (Former President of India Pranab Mukherjee) કહ્યું કે, આપણે થોડા ઘણા ફેરફાર સાથે આયોજીત અર્થતંત્ર (Planned economy)નો માર્ગ અપનાવી સારો એવો વિકાસ સાધ્યો છે. તેમણે કહ્યું કે, દેશમાં આઝાદી પછીના પ્રારંભિક વર્ષોમાં હૂંડિયામણનો વિકટ પ્રશ્ન હતો તેમ છતાં આપણે આયોજનબદ્ધ વિકાસ કરી શક્યા છીએ. ભારતમાં હરિયાળી ક્રાંતિ એ આયોજન પંચની જ દેન હતી, તેમ જણાવી તેમણે દેશમાં સંસ્થાઓના વિકાસ પર ભાર મૂક્યો હતો.
શ્રી મુખર્જીએ ભારતીય સંસદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સંસદ એ માત્ર પ્રજાની અપેક્ષાઓનો પડઘો જ નથી પાડતી, પણ તે આપણા વિવિધતામાં એકતા, સેક્યુલારિઝમ અને કાયદાનું શાસન જેવા લોકતાંત્રિક મૂલ્યોનું પણ પ્રતિનિધિત્વ કરે છે.
શ્રી મુખર્જીએ કહ્યું કે, ભારત વૈવિધ્ય ધરાવતો દેશ છે અને તેમાં વહીવટનું કામ કઠીન છે ત્યારે સંસ્થાઓની મદદથી આ કામને આસાન બનાવી શકાયું છે. તેમણે દેશમાં નાબાર્ડ અને સીડબી જેવી નાણાકીય સંસ્થાઓના ઉદાહરણ આપી રુરલ ક્રેડિટ (ગ્રામ્ય વિસ્તારમાં ધિરાણ) માટે થયેલા પ્રયાસોની રુપરેખા આપી હતી. શ્રી મુખર્જીએ કહ્યું કે, આયોજન પંચ કે નીતિ આયોગ જેવી સંસ્થાઓ માત્ર કેટલાક નિષણાતોના મતના આધારે નિર્ણય નથી લેતી પણ તે ઈન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઈન્સ્ટીટ્યૂટ જેવી સંસ્થા ઉપરાંત ડેટા-સાયન્ટિસ્ટની મદદ પણ લે છે.
તેમણે નાણામંત્રી તરીકેના તેમના કાર્યકાળના અનુભવો જણાવી વિદ્યાર્થીઓનું જ્ઞાનવર્ધન કર્યું હતું. રિઅલ એસ્ટેટ અને ગોલ્ડમાં રોકાણ કરવાનો રસ ધરાવતા રોકાણકારોને કેવી રીતે સ્ટૉક માર્કેટ તરફ વાળ્યા તેની પણ રસપ્રદ વાત કરી.
શ્રી મુખર્જીએ ગ્રામ્ય વિસ્તારોમાં ધિરાણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ઝડપથી આવેલા રહેલા ટેકનોલોજીકલ પરિવર્તનના કારણે સર્વ-સમાવેશક વિકાસ સામે પડકારો ઉભા થઈ રહ્યા છે. વ્યખ્યાનના અંતે શ્રી મુખર્જીએ વિદ્યાર્થિઓના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. આ વ્યખ્યાનમાં શ્રી અનિલ ગુપ્તા અને વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહ્યા હતા.