ભારતીય કોસ્ટગાર્ડે આપત્તિમાં ફસાયેલી માછીમારી બોટને બચાવી
ભારતીય કોસ્ટ ગાર્ડે 21 ડિસેમ્બર 2019ના રોજ અંધારાના સમયમાં ઝડપથી કામગીરી હાથ ધરીને પાણીમાં ફસાયેલી માછીમારી બોટ વિસ્મિતાને બચાવી લીધી હતી.
પોરબંદર ખાતે આવેલા કોસ્ટ ગાર્ડ ઓપરેશન્સ કેન્દ્રને અંદાજે 1910 કલાકે માછીમારીની બોટ વિસ્મિતા પરથી તેઓ આપત્તિમાં ફસાયા હોવાનો કૉલ આવ્યો હતો. આ બોટમાં 06 માછીમારો હતા. પોરબંદરથી લગભગ 24 નોટિકલ માઇલ દૂર આ બોટમાં પાણી ઘુસવા લાગ્યું હતું અને તેનું એન્જિન બંધ થઇ ગયું હતું. નિયમિત પેટ્રોલિંગ માટે ફરી રહેલા કોસ્ટ ગાર્ડના જહાજ C-445ને આપત્તિમાં ફસાયેલી બોટની મદદ માટે તાત્કાલિક તે દિશામાં વાળવામાં આવ્યું હતું.
C-445ની ટેકનિકલ ટીમ ડેમેજ કંટ્રોલ ઉપકરણોની મદદથી માછીમારી બોટમાં પહોંચી હતી અને બોટમાં પડેલી તિરાડો પૂરીને તેમાં પાણી આવતું અટકાવી તેને ડુબતા બચાવી હતી. બાદમાં ICGS C-455ના રક્ષણ સાથે અન્ય માછીમારી બોટ સાથે આ બોટને ટાંગીને પોરબંદર હાર્બર ખાતે 22 ડિસેમ્બર 19ના રોજ લગભગ 0300 કલાકે લાવવામાં આવી હતી.