ભારત સરકારે IRFCનાં MD તરીકે અમિતાભ બેનર્જીની નિમણૂક કરી
નવી દિલ્હી, ઉદ્યોગનાં પીઢ શ્રી અમિતાભ બેનર્જીની નિમણૂક ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (આઇઆરએફસી)નાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કરવામાં આવી છે. આઇઆરએફસી એ ભારતીય રેલવેની સ્થાનિક તેમજ વિદેશી મૂડીબજારોમાંથી ફંડ ઊભું કરવા માટેની ડેડિકેટેડ ફાઇનાન્સિંગ કંપની છે.
શ્રી અમિતાભ બેનર્જી વર્ષ 1988ની સિવિલ સર્વિસીસની એક્ઝામની બેચનાં આઇઆરએએસ કેડર ઓફિસર છે, જેમની નિમણૂક આઇઆરએફસી બોર્ડનાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે 12 ઓક્ટોબર, 2019નાં રોજ થઈ હતી. તેઓ કોમર્સમાં માસ્ટર ડિગ્રી (એમ. કોમ) ધરાવે છે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઈ)નાં ફેલો મેમ્બર છે. તેઓ ઓલ ઇન્ડિયા સીનિયર સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (10+2)માં રેન્કધારક (ઓલ ઇન્ડિયા મેરિટ લિસ્ટમાં 13મું સ્થાન) છે. તેમણે 5 વર્ષ માટે (1980થી 1985) સુધી નેશનલ ટેલેન્ટ સ્કોલરશિપ (એનટીએસ) મેળવી હતી.
શ્રી બેનર્જી આઇઆરએફસીનાં બોર્ડમાં સામેલ થયા અગાઉ ઓક્ટોબર, 2013થી કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ (કેઆરસીએલ)નાં ડાયરેક્ટર ફાઇનાન્સ તરીકે કાર્યરત હતાં. તેમણે 3 વર્ષ (સપ્ટેમ્બર, 2010થી ઓક્ટોબર, 2013) સુધી હિંદુસ્તાન પેપર કોર્પોરેશન લિમિટેડ (એચપીસી)માં ડાયરેક્ટર ફાઇનાન્સ, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (ડીએમઆરસી)માં 5 વર્ષ માટે જનરલ મેનેજર (ફાઇનાન્સ)તરીકે કામ કર્યું હતું, જ્યાં તેઓ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિંગ (જેઆઈસીએ પાસેથી આઇડીએ લોન), એકાઉન્ટ્સનાં કમ્પાઇલેશન અને ફાઇનલાઇઝેશન તથા બજેટરી એસ્ટિમેટ્સની તૈયારી કરવાની કામગીરીનું સંચાલન કરતાં હતાં. તેમની પસંદગી દુનિયાની વિવિધ મધ્યમ કદની મેટ્રોની આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘નોવા’માં ડીએમઆરસીનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. આ કન્સોર્ટિંમ દુનિયામાં 15 પ્રસિદ્ધ મેટ્રો રેલ કંપનીઓનું હતું.
તેમણે વર્ષ 1989થી વર્ષ 2003 સુધી રેલવે મંત્રાલયનાં નાણાં વિભાગમાં કેટલાંક પોર્ટફોલિયો ધરાવ્યાં છે, જેમાં ગેજ કન્વર્ઝન, નવી લાઇનો પાથરવી, ટ્રેક ડબલિંગ, રેલવે પુલોનું નિર્માણ વગેરે જેવા મુખ્ય પ્રોજેક્ટ્સનું સંચાલન કર્યું હતું.
તેમણે સીએજીનાં નેજાં હેઠળ સ્વાયત્ત સંસ્થા “ગવર્મેન્ટ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્ઝ એડવાઇઝરી બોર્ડ”માં રેલવે મંત્રાલયનાં પ્રતિનિધિ તરીકે 2 વર્ષ (2003થી 2005) માટે ભારતનાં કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની ઓફિસમાં ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું છે, જેમાં તેઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો માટે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ બનાવવામાં સંકળાયેલા હતાં.