ભાવનગર: યુવકને ગળેફાંસો દઇ હત્યા બાદ લૂંટ
ભાવનગર: શહેરના ઘોઘા રોડ પોલીસ મથક હેઠળના બાલયોગીનગરમાં રહેતા યુવાનની ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યા બાદ મૃતકના ભાઇએ તેની હત્યા કરી લૂંટ થયાની બી.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી આ ગુનાનો ભેદ ૨૪ કલાકમાં ઉકેલી હત્યા-લૂંટમાં સામેલ ચાર શખ્સોની ધરપકડ કરી લૂંટમાં ગયેલ તમામ મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા મૃતક યુવાન સજાતીય સંબંધ ધરાવવાનો શોખ ધરાવતો હતો. તેમજ તેની પાસે વ્યાપક પ્રમાણમાં સોનુ હોય લૂંટનો પ્લાન ઘડ્યો હતો.
ગત તા.૨૭/૧૨ ના રોજ બી.ડીવીઝન પોલીસ મથકમાં રાજેન્દ્રસિંહ હેમુભા ગોહિલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના નાનાભાઇ જીતેન્દ્રસિંહ ઘરે એકલા હતા. તે દરમિયાન ઘરમાં કોઇ અજાણ્યા શખ્સોએ જીતેન્દ્રસિંહને ગળેફાંસો આપી હત્યા કરી ઘરમાથી દાગીના, રોકડ તેમજ બાઇક અને મોબાઇલની લૂંટ ચલાવી નાસી ગયા હતા.
જે ફરિયાદના આધારે ભાવનગર સિટી ડીવાયએસપી મનીષ ઠાકર, એલસીબી, એસઓજી તથા બી.ડીવીઝન પોલીસ સ્ટાફે સંયુક્ત તપાસ હાથ ધરી આ આખો બનાવ પૂર્વ આયોજીત કાવત્રુ હોવાનું જણાતા અને ગુમરાહ કરવા હત્યાના બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યાનું જણાતા પોલીસે બાતમીદારોને સક્રિય કરી હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓ વાહીદ ઉર્ફે ઉબેદ હુસેનભાઇ મોદન, સાહીલ હનીફભાઇ બરદોરીયા, આરીફ ઉર્ફે પુનો ઇકબાલભાઇ સૈયોદ અને સેજાદ ઉર્ફે જીણો બસીરભાઇ કુરેશી ( રહે. તમામ ૧૪ નાળા)ને ઝડપી લીધા હતા.
આ ઘટનામાં મરણજનાર બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરતા પોલીસને જાણવા મળેલ કે તેઓને સજાતીય સંબંધો રાખવાની ટેવ હોય અને ભૂતકાળમાં તેઓની સાથે સંપર્કમાં રહેલા ઇસમો બાબતે ટેકનીકલ મદદથી માહિતી શોધી કાઢી ખાનગી બાતમીદારોને એક્ટીવ કરી તેઓ માફરત જાણવા મળેલ કે આ કામમાં માસ્ટર માઇન્ડ એવા વાહીદ ઉર્ફે ઉબેદ હુસેનભાઇ મોદન અને મરણજનારને સજાતીય સંબંધો હતા. જેથી તેની ધરપકડ કરી પૂછતાછ કરતા વાહીદે પોલીસ સામે વટાણા વેરી દીધા હતા. અને તે મૃતકના ઘરે અવાર નવાર જતો હોય તેણે અનેકવાર દાગીના લેતા મુકતા જોયા હોય તેને ખબર હતી કે મૃતક પાસે સારો એવો માલ છે. જેથી લૂંટ કરી તેની હત્યાનું કાવત્રુ રચ્યું હતું.