Western Times News

Gujarati News

મગફળી કાંડ મામલે વચેટીયાની ધરપકડ

અમદાવાદ: ગત વર્ષે મગફળી કૌભાંડના પર્દાફાશ બાદ આ વખતે ફરી આ લેભાગુઓએ ગોઠવેલી લૂંટની નવી સીસ્ટમને જડમૂળથી ઉખેડી છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પડધરી પંથકના ખેડૂતો પાસેથી લેભાગુઓ કેવી રીતે લૂંટ ચલાવતા હતા તે બાબતનો વધુ એકવાર પર્દાફાશ કરાતાં કલેક્ટર તંત્ર હરકતમાં આવી ગયું હતું અને ખેડૂત પાસેથી રૂ.૨૫૦૦ પડાવનાર રંગપરના દલાલ અને મગફળીનું સેમ્પલ ફેલ કરનારની શોધખોળ શરૂ કરી હતી.

આ સમગ્ર કૌભાંડમાં રાજકોટ રૂરલ પોલીસે કૌભાંડ કરનાર વચેટીયા અમિત પટેલની ધરપકડ કરી છે. અમિત પટેલ દ્વારા ખેડૂતો પાસેથી ૨૫૦૦ રૂપિયા લઇને કૌભાંડ કરવામાં આવાતું હતું.


તપાસનીશ અધિકારી ઓમ પ્રકાશે જણાવ્યું કે, આ સમગ્ર પ્રકરણમાં એક શખ્સને પોલીસ ઝડપી લીધો છે. પડધરી તાલુકાના નાના સગાડિયા ગામના ખેડૂત વિરજીભાઇ શિવાભાઇ કપુરિયા અને સુરેશભાઇ શિવાભાઇ મોલિયા રવિવારે રાત્રે મગફળી ભરેલું મેટાડોર લઇને રાત્રીના ૮.૩૦ વાગ્યે રાજકોટ માર્કેટીંગ યાર્ડે પહોંચ્યા હતા. સોમવારે સવારે વહેલો વારો આવે તે માટે ખેડૂતો આગલી રાત્રે જ પહોંચી ગયા હતા.

સોમવારે સવારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી શરૂ થઇ ત્યારે ખેડૂત વિરજીભાઇનો ૨૦મો ક્રમ આવ્યો હતો.  પોતાનો ક્રમ આવતાં મગફળીના સેમ્પલ લેનાર સ્ટાફે મેટાડોરમાંથી સેમ્પલ લીધું હતું અને સેમ્પલ પાસ કરી ૧૦૦ મણ મગફળી ખરીદ કરી હતી,

પરંતુ બાકીની ૧૦૦ મણ મગફળીમાં કાંકરા હોવાનું બહાનું ધરી સેમ્પલ ફેઇલ કરી દીધું હતું. ગામડેથી મોટા વાહનનું ભાડું ચૂકવીને આવેલા ખેડૂત માટે સેમ્પલ ફેલ થતાં મગફળી પરત લઇ જવી મુશ્કેલરૂપ બને તે વાત સ્પષ્ટ હતી. વિરજીભાઇ અને સુરેશભાઇ યાર્ડમાં બેઠા હતા તે વખતે પડધરીના જ મોટા રામપરનો અમિત પટેલ તેમની પાસે આવ્યો હતો અને મગફળીની ટેકાના ભાવે ખરીદી થઇ જશે, રૂ.૨૫૦૦ થશે તેમ કહ્યું હતું.

ખેડૂતો માટે મગફળી પરત લઇ જવા કરતા લેભાગુઓને રકમ પધરાવવાનો તેમણે નિર્ણય કર્યો હતો અને સુરેશભાઇ મોલિયાએ મોટા રામપરના અમિત પટેલને રૂ.૨૫૦૦ આપ્યા હતા, અમિતે સેમ્પલ ચેક કરનાર વ્યક્તિ સાથે વાત કરી સુરેશભાઇની મગફળી લઇ લેવા માટે વાત કરી હતી અને બપોરે ૩ વાગ્યે મગફળીની ટેકાના ભાવે ખરીદી થઇ જશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

નાણાં ખંખેરી અમિત સાંજે છએક વાગ્યે યાર્ડથી જતો રહ્યો હતો અને રાત્રે ૮.૩૦ વાગ્યે વિરજીભાઇની રિજેક્ટ કરાયેલી મગફળી ખરીદ કરી લેવામાં આવી હતી. યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતો પાસેથી લૂંટ ચલાવાતી હોવાની વ્યાપક ફરિયાદો મળી હોવાથી સોમવારે સવારે ૧૦ વાગ્યે તમામ ખેડૂતો, લેભાગુ અને કેટલાક સરકારી કર્મચારીઓ પર વોચ શરૂ કરાઇ હતી, જેમાં અમિત પટેલ અને લાભ મેળવવા માટે સેમ્પલ ફેલ કરનાર પરપ્રાંતીય કર્મચારીની પ્રવૃત્તિ કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

સમગ્ર મામલા અંગે પ્રાંત અધિકારી ડો.ઓમપ્રકાશને જાણ કરતાં પડધરીના મામલતદાર ભાવનાબેન વિરોજા, નાયબ મામલતદાર જય રાજાવાઢા અને બી.જે. નથવાણી સહિતની ટીમ માર્કેટીંગ યાર્ડ દોડી આવી હતી અને ભોગ બનનાર બંને ખેડૂતના નિવેદનો નોંધી અમિત પટેલ તથા સેમ્પલ ફેલ કરનારની શોધખોળ શરૂ કરી હતી.

યાર્ડમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કૌભાંડને પગલે સમગ્ર ખેડૂતઆલમમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.