મહુવા તાલુકાના નિવૃત્ત શિક્ષક છોટુભાઈ પટેલને ગોવા ખાતે ‘રાષ્ટ્રીય શિક્ષક રત્ન’ એવોર્ડથી સન્માનિત કરાયા
સુરત: સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઓંડચ પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક અને વાંસકુઈ ગામના રહીશ શ્રી છોટુભાઈ ખુશાલભાઈ પટેલને તાજેતરમાં ગોવાના શિરોડા ખાતે ‘રાષ્ટ્રીય શિક્ષક રત્ન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી છોટુભાઈ દ્વારા તેમના શૈક્ષણિક કાર્યકાળ દરમ્યાન તેમનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તેમજ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓમાં પ્રિય હતા.
તેમણે વાંચન- લેખન-ગણન માટે કેટલાક વિવિધ પ્રકારના ટી.એલ.એમ. જાતે બનાવી તેનો ઉપયોગ કરી દરેક બાળક પ્રવૃત્તિ દ્વારા ઉત્સાહથી, રસપૂર્વક, રમતાં રમતાં પાયાનું શિક્ષણ મેળવી શકે તેવા અનેક સંશોધનોના કારણે તેમને વિજ્ઞાન-ગણિત- પર્યાવરણ પ્રદર્શનમાં છેલ્લા ૧૮ વર્ષમાં ૧૫ વાર રાજયકક્ષાએ અને ૩ વાર રાષ્ટ્રકક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ ૨૦૧૧માં ઓલ ઈન્ડિયા બેસ્ટ ટીચર’ નો એવોર્ડ, ૨૦૧૪માં ચિત્રકુટ એવોર્ડ અને ૨૦૧૮ માં ‘રાષ્ટ્રીય શિક્ષક ભૂષણ એવૉર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.
ગ્લોબલ વૉર્મિંગના પડકારને પહોંચી વળવાના પ્રયાસરૂપે ૩૮ વર્ષની શૈક્ષણિક જીવનમાંથી નિવૃત્ત થયા પછી પર્યાવરણની જાળવણી માટે તેમણે જુલાઈ,૨૦૧૯માં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મહુવા તાલકાની તમામ ૧૩૭ શાળાઓમાં અભ્યાસ કરતા પ્રત્યેક વિદ્યાર્થી દીઠ કુલ ૧૦,૦૭૬ કેસર આંબાની કલમોનું વિનામૂલ્યે વિતરણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું.