ગાંધીનગર ખાતે માટી કલાકૃતિ પ્રદર્શન જનજાગૃતિ શિબિર
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, ગામડે ગામડે ભગવાન સમાન માટી કામ કરતાં કલાકારોને સ્વરોજગારી પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પર્યાવરણના અને સંસ્કૃતિના જતન થકી માટીકામ કલાકારોને તમામ પ્રકારની સગવડો પૂરી પાડવા રાજ્ય સરકાર હરહંમેશ તત્પર છે.
ગાંધીનગર ખાતે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા આયોજીત માટી કલાકૃતિ પ્રદર્શન અને જનજાગૃતિ શિબિરનો શુભારંભ કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યુ કે, માટી કલાકારો દ્વારા સ્વરોજગારી થકી હજારો પરિવારોનું ગુજરાન રાજ્યમાં થઇ રહ્યુ છે ત્યારે આવા કારીગરોને ટેકનોલોજીના માધ્યમ દ્વારા પ્રોત્સાહિત કરીને કારીગરો ટેકનોલોજી અપનાવતા થાય અને વધુ રોજગારી મેળવે એ માટેના સક્રિય પ્રયાસો કરાશે. ભુતકાળમાં માટીમાંથી તૈયાર થતી ચીજવસ્તુઓ માટે કારીગરોને જે શ્રમ પડતો હતો તેમાંથી બહાર લાવવાનું કામ આ સરકારે કર્યું છે. તેમને પણ ટેકનોલોજીનો લાભ મળે અને ઓછી મજૂરીથી વધુ રોજગારી મળે એવા પ્રયાસો હાથ ધર્યા છે. સંસ્થાન દ્વારા આજે જે પ્રદર્શનનું આયોજન કરાયું છે એ રાજ્યના તમામ ગામડાઓમાં યોજવા માટે પણ નાયબ મુખ્યમંત્રીશ્રીએ સૂચન કર્યું છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં તહેવારો દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓનું જે વેચાણ થાય છે તેમાં પણ માટીની મૂર્તિઓના વેચાણને પ્રાધાન્ય અપાશે. પર્યાવરણને નુકશાન કરતી પ્લાસ્ટર ઓફ પેરીસ(PoP)ની મૂર્તિઓ પર આગામી સમયમાં પ્રતિબંધ મુકવાની પણ રાજ્ય સરકારની વિચારણા છે. જેના પરિણામે પર્યાવરણનું જતન થશે. સાથે સાથે ગામડામાં રોજગારીનું સર્જન થશે અને લોકોનું જીવનધોરણ ઉંચું આવશે.
શ્રી પટેલે ઉમર્યુ કે, આ સંસ્થાન ભૂતકાળમાં મૃતપાય હાલતમાં હતું પરંતુ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમાં પ્રાણ પૂર્યા અને બજેટની ફાળવણીમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. જેના પરિણામે આજે માટીકલાના કારીગરો આજના સમય મુજબ ઘર વપરાશની અદ્યતન માટીની વસ્તુઓ જેવી કે રેફ્રીજરેટર, કુકર, પાણીની બોટલો, ભોજનની થાળી સહિતની સુંદર મજાની બનાવતા થયા છે. એનો પણ નાગરિકો મહત્તમ ઉપયોગ કરીને ખરીદે તે માટે પણ નાગરિકોને અનુરોધ કર્યો હતો.
શ્રી પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ મધ્યમ વર્ગ-કારીગર વર્ગોની સતત ચિંતા કરે છે, અને એ માટે રાજ્ય સરકાર દ્વારા લોકો ઘરે બેસીને રોજગારી મેળવતા થાય એ માટે તાલીમ સહિતની સુવીધાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેનો મહત્તમ ઉપયોગ કરવા કારીગરોને અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, માટીકામ સંસ્થાન દ્વારા કારીગરોના વિકાસ માટે જે નવી યોજનાઓ બનાવાશે તેમાં નાણાંકીય સહયોગ સહિત તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવા સરકાર આપની પડખે ઉભી રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે વડાપ્રધાનશ્રીના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રને ચરિતાર્થ કરવા માટે આપે જે જવાબદારી અમને સોંપી છે તે સંપૂર્ણ નિષ્ઠાથી પુરી કરવી અમારી જવાબદારી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા માટે જે અભિયાન ઉપાડ્યું છે એમાં પ્લાસ્ટિક મુક્ત ભારતના નિર્માણ માટે પણ આપણે સૌએ પ્રયાસો કરવા પડશે. દેશભરમાં ચાલતી ટ્રેનોમાં ચા અને જમવા માટે અપાતી સામગ્રીમાં પણ માટીના વાસણોનો ઉપયોગ થઇ રહ્યો છે એ જ દર્શાવે છે કે આ ક્ષેત્રોના કારીગરોના આર્થિક ઉત્થાન માટે સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. તેમણે માટીકલા કારીગરોને રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ અને તાલીમો સંપૂર્ણપણે ઉપયોગ કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનના અધ્યક્ષ શ્રી દલસુખભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વર્ષ-૧૯૭૯માં સર્વિસ ઇન્સ્ટિટયુટ તરીકે સ્થાપવામાં આવેલી ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનનો મુખ્ય અભિગમ ગ્રામ વિકાસમાં સમુચિત ટેકનોલોજી તથા કૌશલ્ય વિકાસને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોનું સંકલન કરી ગ્રામ કારીગરો તથા કુટીર ઉદ્યોગના વિકાસ દ્વારા ગ્રામ વિકાસની પ્રક્રિયાને વેગીલી બનાવવાનો છે. વર્ષોથી સુશુપ્ત અવસ્થામાં રહેલા આ સંસ્થાનને તત્કાલિક મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પુન:સક્રિય કરી ગ્રામ્ય કલાકારોની કલાકારીને જીવંત રાખવાનું કામ કર્યું હતું. તેમણે વધુમાં ઉમર્યું હતું કે, હાલમાં દર વર્ષે આ સંસ્થાન દ્વારા અલગ અલગ ૧૩ પ્રકારના સ્વરોજગારીલક્ષી વ્યવસાયમાં અંદાજીત ૧૪ હજાર જેટલા યુવક-યુવતીઓને માસિક રૂ.૧૫૦૦નું સ્ટાઇપેન્ડ સાથે વિનામૂલ્યે ઘર આંગણે તાલીમ આપવામાં આવે છે.
શ્રી પ્રજાપતિએ વધુમાં ઉમેર્યુ કે સંસ્થાન દ્વારા માટીકામ કરતા એક હજાર જેટલા કારીગરોને કૌશલ્ય અને રૂા.૩ હજારની મર્યાદામાં માટીકામ વ્યવસાયની ટુલકીટ આપવામાં આવે છે. દર વર્ષે ૪૦૦ થી વધુ માટીકામ કરતા પ્રજાપતિ ભાઇ-બહેનોને ૭૫ ટકા સબસીડીથી માટીકામની આધુનિક પગમીલ અને ઇલેકટ્રીક ચોક આપવામાં આવે છે. ૧૦૦ ટકા સબસીડીથી ઊર્જા કાર્યક્ષમ ભઠ્ઠી બાંધી આપવામાં આવે છે. જે અંતર્ગત ૩૮૦ ભઠ્ઠીના બાંધકામ દ્વારા કુલ ૧૫૨૦ કુટુંબોને યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત માટી મુર્તિકારો માટે રાજ્ય સરકાર દ્વારા અપાતી પ્રોત્સાહન યોજના અન્વયે માટીની મૂર્તિના વેચાણ પ્રોત્સાહન માટે ૧ ફુટથી ૯ ફુટ સુધીની મૂર્તિઓ માટે વધુમાં વધુ ૫૦ હજાર સુધીની વાર્ષિક મર્યાદામાં કુટુંબદીઠ વેચાણ તથા ૫૦ ટકા સબસીડાઇઝડ રેટ થી માટી કારીગરોને સબસીડી પુરી પાડવામાં આવી રહી છે.