Western Times News

Gujarati News

મુખ્યમંત્રીના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૪’ નો પ્રારંભ

ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આયોજન

મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ સહિત ચાર પુસ્તકો ડિજિટલ પેમેન્ટથી ખરીદ્યા

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલનાં વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘એક્ઝામ વૉરિયર’ પુસ્તક અને સમૃદ્ધ ભારત માટેના પંચપ્રણ પ્રમાણપત્રો એનાયત કરાયાં

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૪'નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ નેશનલ બુક ફેરમાંથી વિવિધ પુસ્તકો ખરીદ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ મધર ઓફ ડેમોક્રેસી – ઇન્ડિયા, વેદ કલ્પતરુ, સામૂહિક હિત કા દીપ જલે (મન કી બાત @૧૦૦) અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત એક્ઝામ વોરીયર્સ જેવા પુસ્તકો ડિજિટલ પેમેન્ટ વડે ખરીદ્યા હતા. આ તકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિદ્યાર્થીઓને 'સમૃદ્ધ ભારત માટેના પાંચ વચન'નાં પ્રમાણપત્ર તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત બુક 'એક્ઝામ વોરિયર્સ' બાળકોને આપવામાં આવી હતી.

આ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, શહેરના ધારાસભ્યશ્રીઓ શ્રી અમિતભાઈ શાહ, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતુભાઈ પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી અમુલભાઈ ભટ્ટ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, મ્યુનિ. કમિશનર શ્રી એમ.થેન્નારસન, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જ્હા, નેશનલ બુક ટ્રસ્ટના ચેરમેન શ્રી મિલિંદજી તથા મ્યુનિ. કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વાંચન અને સાહિત્યના સુયોગ્ય પ્રસાર થકી આવનારી પેઢી બૌદ્ધિક રીતે સક્ષમ બને અને સશક્ત સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં 'વાંચે ગુજરાત' અભિયાનની શરૂઆત કરાવી હતી.

જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં ૧૨ વર્ષથી 'અમદાવાદ નેશનલ બુક ફેર' નામથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી યોજાયેલા 'અમદાવાદ નેશનલ બુક ફેર'ના તમામ સંસ્કરણોને અમદાવાદ સહિત રાજ્યભરના પુસ્તકરસિકો અને સાહિત્યપ્રેમીઓનો અનેરો પ્રતિસાદ સાંપડ્યો છે.

હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ સાથે વાંચે ગુજરાત ૨.૦ અંતર્ગત ૩૦ નવેમ્બરથી ૮મી ડિસેમ્બર સુધી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે 'અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ' યોજાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટનો સહયોગ સાંપડતા અમદાવાદ નેશનલ બુક ફેર હવે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરીને પહેલી વખત ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ તરીકે યોજાઈ રહ્યો છે. આ સમગ્ર આયોજનમાં ૧૦૦થી વધુ સાહિત્યિક કાર્યક્રમો, ૩૦૦થી વધુ પ્રકાશકોના સ્ટોલ સહિત ૧૦૦૦થી વધુ પ્રકાશકોનાં પુસ્તકો સાથે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ગુજરાત સહિત દેશભરના પુસ્તકરસિકો અને સાહિત્યપ્રેમીઓ માટે સાહિત્યનું સરનામું બની રહેશે. આ સાથે ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં મુલાકાતીઓ માટે લેખક મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાન ગંગા, રંગમંચ, અભિકલ્પ સહિતના આકર્ષણો ઉપલબ્ધ રહેશે.

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં સ્પેન, શ્રીલંકા, પોલેન્ડ, ડેન્માર્ક, સ્કોટલેન્ડ, સિંગાપોર, યુ.એ.ઈ. જેવા દેશોના વક્તાઓ તથા પ્રખ્યાત ગુજરાતી લેખકો શ્રોતાઓનું માર્ગદર્શન કરશે. જેમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી જગદીશ ત્રિવેદી, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, મોનિકા હલાન, રામ મોરી, ઇ. વી. રામાકિશન, સૌરભ બજાજ, વિલિયમ ડેલરિમ્પલ, ગિલેર્મો રોડ્રિગ્ઝ માર્ટિન, મોનિકા કોવાલેસ્કો-સુમોવ્સ્કા અને મેટ્ટ જ્હોન્સન જેવા ખ્યાતનામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાહિત્યકારો, લેખકો અને વક્તાઓ વિવિધ વિષયો પર શ્રોતાઓ સાથે સંવાદ સાધશે. અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિ:શુલ્ક રહેશે, માત્ર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. https://forms.gle/craAgWAgEJRHhPcb7 લિંક પર રજિસ્ટ્રેશન કરીને બુક ફેસ્ટિવલ અંતર્ગત યોજાનારા વિવિધ સાહિત્યિક -સાંસ્કૃતિક કાર્યક્રમ નિઃશુલ્ક માણી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.