Western Times News

Gujarati News

પ્રિ-મોન્સૂન કામગીરી કરતાં ગટરોમાંથી દારૂની બોટલો મળી

પ્રતિકાત્મક

કાદવ અને ગંદકીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

મોડાસા, અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં નગરપાલીકા તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હેઠળ શહેરના મુખ્ય બજારમાં આવેલી ગરટોની સફાઈ હાથ ધરવામાં આવી છે. ગટરોમાંથી ગંદકી અને કચરા કરતા વધુ પ્રમાણમાં વિદેશી દારૂ અને બિયરના ટીનનો જથ્થો મોટા પ્રમાણમાં બહાર નીકળતા શહેરીજનો અને રાહદારીઓ આશ્ચર્ય અનુભવી રહ્યા છે અને મોડાસામાં અધધ દારૂ પીવાતો હોવાની ચર્ચા કરતા નજરે પડી રહ્યા છે.

ગટરની સફાઈ દરમિયાન ગટરમાંથી નીકળતો કાદવ અને ગંદો કચરો સફાઈ કામદારો ગટરની બાજુમાં જ પડી રહેવા દેતા હોવાથી શહેરના ચાર રસ્તાથી બસ સ્ટેન્ડ વિસ્તાર સુધી માથું ફાડી નાંખે તેવી અસહ્ય દુર્ગંધથી રાહદારીઓ અને દુકાનદારો તોબા પોકારી ઉઠયા છે.

મોડાસા નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીમાં ગટરોમાંથી વિદેશી દારૂની બોટલો ઉભરાતી હોય તેમ ઠેર ઠેર ગટરની ચેમ્બર બહાર વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન સફાઈ કામદારો દ્વારા બહાર ઉલેચી ઢગલા ખડકવામાં આવી રહ્યા છે. દારૂના શોખીનો દારૂની મઝા માણી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીનના મોટા જથ્થામાં ગટરોમાં પધરાવતા હોવાનું નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીમાં ઠેરઠેર નજરે પડી રહ્યું છે.

ગટરોમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં સફાઈ કર્યા બાદ ચેમ્બરની બાજુમાં જ કાદવ અને ગંદકીના ઢગલા ખડકી દેવામાં આવતા છેલ્લા બે દિવસથી મોડાસા શહેરની હાલ ‘બદબૂ મોડાસા કી’ જેવો ઘાટ સર્જાયો છે, તદુપરાંત રોડની બાજુમાં પડી રહેલા કાદવથી અને ગંદકીથી મચ્છરોનો ઉપદ્રવ વધી જતા રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. નગરપાલિકા તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરતા જવાબદાર કોન્ટ્રાકટરને નોટિસ ફટકારી ગટરોની ચેમ્બર બાજુમાં ખડકાયેલો કાદવ હટાવી લેવા સૂચના આપે તેવી લોક માંગણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.