મ્યુનિ. ચુંટણીના વર્ષમાં ભાજપનું બિલ્ડર બચાવો અભિયાન !
ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા ઈમ્પેકટનો ગેરકાયદેસર અમલ કરવા મ્યુનિ.હોદ્દેદારો અને કમીશ્નર તત્પર હોવાની ચર્ચા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીઓ નજીક આવી રહી હોવાથી શાસકપક્ષ દ્વારા ભૂ-માફીયાઓને રાહત આપવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે. તથા ઈતિહાસમાં પ્રથમ વખત ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે ગેરકાયદેસર ઈમ્પેકટનો અમલ થાય તેવી શકયતા છે. તેવી જ રીતે હેરીટેજ મિલ્કતોમાં ચાલી રહેલ હોટેલો સામે કાર્યવાહી કરવામાં કાયદાની દુહાઈ આપવામાં આવી રહી છે.
સ્માર્ટસીટી અમદાવાદમાં છેલ્લા દોઢ દાયકાથી “ગેરકાયદેસર” બાંધકામનો ધંધો બેરોકટોક ચાલી રહયો છે. શહેરના કોટ વિસ્તારથી શરૂ થયેલ અનઅધિકૃત બાંધકામની પ્રવૃત્તિનો વ્યાપ ચોતરફ થયો છે. સ્થાનિક રાજકારણીઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂ-માફીયાઓની મજબુત સાંઠગાંઠના પરીણામે ગેરકાયદેસર બાંધકામોની સંખ્યા વધી રહી છે.
રાજય સરકારે આ પ્રકારના બાંધકામોને નિયમીત કરવા માટે ર૦૧રમાં ઈમ્પેકટ કાયદાનો અમલ શરૂ કર્યો હતો. એક વર્ષ પહેલા જ તેનો અમલ પૂર્ણ થયો છે. મ્યુનિ.કોર્પોરેશને ર૦૧૦-૧૧ના વર્ષમાં પાંચ લાખ ગેરકાયદેસર બાંધકામો હોવાની એફીડેવીટ વડી અદાલત સમક્ષ કરી હતી ઈમ્પેકટ કાયદા અંતર્ગત તંત્રને ર લાખ ૪૩ હજાર અરજીઓ મળી હતી. જે પૈકી ૧ લાખ ૧૦ હજાર બાંધકામો કાયદેસર કરવામાં આવ્યા હતા.
ઈમ્પેકટ ની મુખ્ય શરત મુજબ જે બાંધકામો કાયદેસર થયા ન હોય તેને તોડી પાડવા ફરજીયાત છે. પરંતુ વોટબેંકને સાચવવા તથા રાજકીય ઈચ્છાશકિતના અભાવે છેલ્લા ચાર-પાંચ વર્ષ દરમ્યાન આંગળી ના વેઢે ગણી શકાય તેટલા જ મોટા બાંધકામોને તોડવામાં આવ્યા છે. જયારે છેલ્લા ૬.૮ મહિનામાં એસ્ટેટ અધિકારીઓ ઓટલા, ટાંકી-ચોકડી પતરાના નાના શેડ અને લારી-ગલ્લા ને દૂર કરીને બહાદુરી દર્શાવી રહયા છે.
એક અંદાજ મુજબ હાલ શહેરમાં પાંચ લાખ કરતા વધારે અનઅધિકૃત બાંધકામો છે. જેને દૂર કરવામાં રાજકારણીઓ અને અધિકારીઓને કોઈ જ રસ નથી. મ્યુનિ. કમીશ્નર પણ આ તરફ આંખ આડા કાન કરી રહયા છે. તેમણે પણ નાના ફેરીયાઓ અને વેપારીઓને જ કનડગત કરવામાં વધારે રસ હોય તેમ લાગી રહયું છે. શહેરના ખાડીયા, જમાલપુર, લાંભા, વટવા, મણીનગર, ઈસનપુર, શાહપુર, સરદારનગર, બાપુનગર,ઓઢવ સહીતના વિસ્તારોમાં બેરોકટોક મંજૂરી વિના બાંધકામ થઈ રહયા છે.
લાંભા વોર્ડમાં જ છેલ્લા એક વર્ષ દરમ્યાન એક હજાર કરતા વધારે ગેરકાયદેસર બાંધકામો થયા હોવાનો અંદાજ છે. દક્ષિણઝોનમાં આસી.કમીશ્નર પરાગ શાહ ને ડે.કમીશ્નર નો ચાર્જ સોંપવામાં આવ્યા બાદ ગેરકાયદેસર બાંધકામોના ધંધામાં તેજી આવી હતી.
તેથી આર.કે.મહેતાની દક્ષિણઝોનમાં નિમણુંક કરવામાં આવી છે. તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ જ ફરક પડયો નથી.દક્ષિણઝોનના ડે.એસ્ટેટ ઓફીસર પણ ગેરકાયદેસર બાંધકામોની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહયા છે. તથા દક્ષિણઝોનમાં હપ્તા પધ્ધતિ ચાલી રહી હોવાના અવારનવાર આક્ષેપો થતા રહયા છે.
રાજયમાં ઈમ્પેકટ કાયદાના કાયદેસર અમલીકરણ બાદ મ્યુનિ. શાસકોએ ઈમ્પેકટનો ગેરકાયદેસર અમલ કરવા મન મનાવ્યું હોય તેમ લાગે છે. મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે ગેરકાયદેસર બાંધકામ થયા બાદ પ્લાન મંજૂર થાય તેવા હોય તો કોઈકાર્યવાહી કરવામાં આવશે.
સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે ભૂ-માફીયાઓને બચાવવા માટે એસ્ટેટ ખાતાના અધિકારીઓ ઘણા સમયથી આ પધ્ધતિ અજમાવી રહયા છે. જયારે ઉચ્ચકક્ષાએથી કોઈ બાંધકામ તોડવા માટે પણ આવે છે. ત્યારે પાર્ટી પાસેથી બાંધકામના પ્લાન મંજૂર કરવાના બોન્ડ લઈને તેને રાહત આપવામાં આવે છે. તેમજ સ્કુટીની ફી ના અમુક ગણી રકમ જમા કરાવવામાં આવે છે. પરંતુ આ રકમ જે તે બાંધકામની બજાર કિંમત કરતા ઘણી જ ઓછી હોય છે. તેથી ભૂ-માફીયાઓ પણ હોશે-હોશે આ રકમ જમા કરાવે છે. ત્યારબાદ પ્લાન રીજેકટ ન થાય તેની ગોઠવણ કરવામાં આવે છે. સામાન્ય રીતે કાયદેસર બાંધકામના પ્લાન બેથી ત્રણ મહીનામાં મંજૂર થઈ જાય છે.
જયારે આ પ્રકારના પ્લાન માટે બેથી ત્રણ વર્ષનો સમય લાગે છે. પ્લાન સ્કુટીની વિભાગ ના અધિકારીઓ નિયત અંતરે અલગ-અલગ કાગળોની માંગણી કરી ને પ્લાન રીજેકટ થતા અટકાવે છે. આ બધી માયાજાળનો અંત આવે તે પહેલા જે તે બાંધકામનો વપરાશ પણ શરૂ થઈ જાય છે.
જે બાંધકામના પ્લાન રીજેટક થયા હોય તેને તોડવાની તસ્દી આજદીન સુધી લેવામાં આવી નથી. જે બાબત મ્યુનિ. ભાજપના હોદેદારો સારી રીતે સમજે તેમ છતાં કાયદાની વિવિધ છટકબારીઓનો લાભ લઈ ને ભૂ-માફીયાઓને બચાવવા માટે પ્રયાસ થતા રહયા છે. મ્યુનિ.કમીશ્નર અને હોદ્દેદારોએ છેલ્લા એક વર્ષ દરમ્યાન નાના ફેરીયાઓ અને વેપારીઓ પર જ જાહુકમી કરી છે. જયારે મોટા બિલ્ડરોને બચાવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનની ચુંટણી આવી રહી હોવાથી બિલ્ડરો ને બચાવવાની પરંપરા યથાવત રહેશે.
મ્યુનિસિપલ કમીશ્નર પણ “બિલ્ડર બચાવો” અભિયાનમાં જાડાયા છે. સ્ટેન્ડીંગ કમીટીમાં કમીશ્નરે પણ પ્લાન મંજૂર થતા હોય તો તેને તોડવા નહીં તેવા કાયદાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ પ્લાન કેટલા સમયમાં મંજૂર કરવવા તથા રીજેકટ થયેલ પ્લાન માટે કઈ કાર્યવાહી કરવી તેનું સ્વપ્ટીકરણ પણ કરવું આવશ્યક છે. અન્યથા ઈમ્પેકટ કાયદાની પૂર્ણાહુતિ બાદ જે રીતે બેરોકટોક બાંધકામો ચાલી રહયા છે. તેમાં લેશમાત્ર ઘટાડો થવાનો નથી તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.