રાજ્યમાં કડકડતી ઠંડી : ડીસા, ભુજ અને નલિયામાં રેકોર્ડબ્રેક ઠંડી
અમદાવાદ: રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. ડીસા, ભુજ અને નલિયામાં રેકોર્ડબ્રેક ઠંડી પડી છે. જેમાં ડીસાના લઘુતમ તાપમાને ૧૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઈકાલે ડીસાનું લઘુતમ તાપમાન ૬.૮ ડિગ્રી નોંધાયું હતું ત્યારે આજે રવિવારે સવારે ૮.૩૦ વાગ્યે હવામાન વિભાગના અવલોકન મુજબ ડીસાનું લઘુત્તમ તાપમાન ૭.૪ ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજ્યનો સૌથી વધુ ઠંડા વિસ્તાર નલિયામાં ૮.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયુ છે ત્યારે ગઈકાલે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે ૪૮ કલાક કોલ્ડવેવની સ્થિતિ ગુજરાતમાં રહેશે. ખાસ કરીને બનાસકાંઠા, વડોદરા, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અને કચ્છમાં શીતલહેર ફરી વળશે. હવામાન વિભાગના તાજેતરના અવલોકન મુજબ રવિવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૨.૩ ડિગ્રી, વડોદરા ૧૧.૪ ડિગ્રી, સુરત ૧૬.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટ ૧૦.૩ ડિગ્રી, ભાવનગર ૧૪.૫ ડિગ્રી, પોરબંદર ૧૪.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ઠેરઠેર લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં અને તાપણાનો સહારો લઈ રહ્યા છે.
આજે રવિવારે સવારે રાજ્યમાં અનેક સ્થળે લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિજીટમાં નોંધાયો હતો. જેમાં ડીસા ૭.૫ ડિગ્રી, નલિયા ૮.૪ ડિગ્રી, કંડલા એરપોર્ટ ૯.૨ ડિગ્રી, ભૂજ ૯.૮ ડિગ્રી તાપમાન સાથે ઠંડાગાર રહ્યા હતા. જ્યારે વલ્લલભ વિદ્યાનગરમાં ૧૦.૨ ડિગ્રી, ગાંધીનગર ૧૨ ડિગ્રી, તાપમાન નોંધાયું હતું.
રાજસ્થાન મધ્યપ્રદેશમાં સિવિયર કોલ્ડવેવની આગાહી મોસમ વિભાગે કરી છે. એટલે કે ઉતરપૂર્વના પવન અને સાક્લોનિસક સરક્યુલેશનની અસરના કરાણે ગુજરાતમાં ઠંડીનુ જોર વધશે. જેની જનજીવન ઉપર અસર પડશે. મોસમ વિભાગે ઉત્તર ભારતમાં તો સિવિયર કોલ્ડવેવની આગાહી આપી છે. જેમાં ઉતરપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સિવિયર કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.