રાષ્ટ્રીય સ્તરે મોદીનો કોઇ જ વિકલ્પ નથીઃ શિવસેના
નવી દિલ્હી: શિવસેનાના મુખપત્ર સામનામાં એકવાર ફરીથી પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવ્યું. સંપાદકીયમાં વર્ષ ૨૦૧૯ની રાજકીય ઘટનાઓ પર ટિપ્પણી કરવામાં આવી છે. જો કે સંપાદકીયમાં એમ પણ કહેવાયું છે કે પીએમ મોદીનો રાષ્ટ્રિય સ્તરે કોઈ વિકલ્પ નથી. સંપાદકીયમાં લખ્યું છે કે વીતેલા વર્ષમાં જે પણ થયું,
તે મહત્વપૂર્ણ છે. લોકસભામાં જીતનારા મોદી-શાહ વિધાનસભાના અખાડામાં પરાસ્ત થયા. ખાસ વાત એ રહી કે મહારાષ્ટ્ર જેવું મોટું રાજ્ય તેમણે ગુમાવી દીધુ. ટોપી ઘુમાવનારા અને આપેલા વચનો તોડનારા પોતે તૂટ્યા, આવું વિતેલા વર્ષમાં થયું. સંપાદકીયમાં કહેવાયું છે કે દેશમાં રાજકીય સ્થિરતા છે પરંતુ જબરદસ્ત અસ્વસ્થતા છે. અશાંતિ જાણે સમાજમાં ઉછાળા મારી રહી છે. સમગ્ર દેશમાં આગ લાગી છે પરંતુ બધુ ઠીક ઠાક છે એવો વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો મત છે. બહુમત હોવા છતાં જ્યારે દેશ અશાંત હોય ત્યારે શાસકોએ આત્મચિંતન કરવું જોઈએ.