રિલીફ રોડ પર દબાણ હટાવવાની કામગીરી શરૂ

File photo
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટીપીનો અમલ કરવા તથા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે સવારે મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓની જુદીજુદી ટીમોએ શહેરના રિલીફ રોડ પર કામગીરી શરૂ કરી હતી સૌ પ્રથમ રિલીફ રોડના જાણીતા મૂર્તિમંત કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો તથા ગેરકાયદેસર બનાવવામાં આવેલા શેડ તોડવામાં આવતા લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. પોલીસ બંદોબસ્ત સાથે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરાઈ છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા દબાણો હટાવવા માટે છેલ્લા ઘણા દિવસોથી કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે ખાસ કરીને ટીપીના અમલમાં વચ્ચે આવતા બાંધકામો હટાવવામાં આવી રહયા હતા
આ દરમિયાનમાં આજે સવારે કોર્પોરેશનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે રિલીફ રોડ પર નીકળતા જ દુકાનદારોમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો હતો. કોર્પોરેશનની ટીમ સૌ પ્રથમ જાણીતા મૂર્તિમંત કોમ્પલેક્ષમાં પહોંચી હતી અને આ કોમ્પલેક્ષમાં ૧૭ જેટલી દુકાનોમાં વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હતું આ તમામ બાંધકામને તોડી પાડવાની કામગીરી શરૂ કરાતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા જાકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશનના અધિકારીઓએ આ કામગીરી હાથ ધરી હતી.
આ ઉપરાંત મૂર્તિમંત કોમ્પલેક્ષમાં જ ધાબા પર ગેરકાયદેસર શેડ બનાવી દબાણો કરવામાં આવ્યા હતા આ તમામ શેડ પણ તોડી પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ રિલીફ રોડ પર અન્ય કેટલાક દબાણો પણ આજે દિવસ દરમિયાન હટાવવામાં આવે તેવું જાણવા મળી રહયું છે.