રીક્ષાચાલકને કેફી પદાર્થવાળુ ઠંડુ પીણું પીવડાવી લૂંટી લીધો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રીક્ષામાં બેસીને લાંભા લઈ જ ઈ પેંડા અને લાડવામાં કેફી પદાર્થ ભેળવીને રીક્ષાચાલક સાથે લૂંટ કરવાની ઘટના અગાઉ કારંજ તથા નારોલ પોલીસ દફતરે નોંધાવા પામી હતી. કેફી પદાર્થની અસર એટલી તીવ્ર હતી કે બે-ત્રણ દિવસે ભાનમાં આવ્યા પછી રીક્ષાચાલક પોતે લુંટાઈ ગયાની જાણ થતી હતી. આવી જ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. લાંભા ખાતે લઈ જઈ વધુ એક રીક્ષાચાલકને ઠંડાપીણામાં કેફી પદાર્થ પીવડાવી દેતા બે દિવસ બાદ તેણે પોતાની સાથે લૂંટ થયાનું જણાવતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો.
મનીષભાઈ પીઠડીયા લાંભા ઈન્દીરાનગર ખાતે રહે છે. ગુરૂવારે બપોરે બે વાગ્યાના સુમારે એક અજાણ્યો શખ્સ લાંભા મંદિર જવા માટે તેમની રીક્ષામાં ગોઠવાયો હતો. મંદિરના દર્શન કર્યા બાદ લૂંટારૂ શખ્સે મનિષભાઈને વાતોમાં ભોળવ્યા હતા. બાદમાં રસ્તામાં તેમને ઠંડુપીણું પીવા માટે આપ્યુ હતુ.
ચાલાક લુંટરૂ શખ્સે ઠંડાપીણામાં ભેળવેલા કેફી પદાર્થ થોડીવારમાં પોતાની અસર શરૂ કરતાં મનિષભાઈની આંખો ઘેરાવા લાગી હતી. અને થોડી જ વારમાં તે વટવા જીઆઈડીસી નજીક રામોલ ચોકી પાસે આવેલી દેવ હોટલ સામે રીક્ષા રોકી ઉભા રહ્યા હતા. જ્યાં તુરત બેભાન થઈ ગયા બાદ લૂંટારૂએ તેમની સોનાની વીંટીઓ, રોકડ તથા અન્ય દસ્તાવેજા ચોરી લીધા હતા.
અન્ય રાહદારીઓનું ધ્યાન જતાં કોઈએ તેમને એલ જી હોસ્પીટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં તેમને ગત રોજ ભાન આવ્યા બાદ લૂંટ થયાની જાણ થઈ હતી. આ ઘટનાની ફરીયાદ લીધા બાદ વટવા જીઆઈડીસી પોલીસે કેફી પદાર્થ પીવડાવી લૂટ કરતા શખ્સની શોધખોળ શરૂ કરી છે.