લગ્ન પ્રસંગ નિમિત્તે યોજાયેલી દારૂની મહેફિલ પર દરોડો
અડાલજમાં લગ્નપ્રસંગ નિમિત્તે યોજાયેલી ક્રિકેટ મેચમાં ૧૪ યુવકો દારૂની મહેફિલ માણતા ઝડપાયાઃ વિદેશી દારૂની ૭ ભરેલી અને ૯ ખાલી બોટલો જપ્ત
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ સહિત રાજયમાં શિયાળાની શરૂઆત થઈ જતાં ગુલાબી ઠંડીનો અહેસાસ નાગરિકો કરી રહયા છે જેના પગલે બુટલેગરો પણ સક્રિય બની ગયા છે શિયાળામાં દારૂની માંગ વધતા બુટલેગરો દ્વારા હોમ ડિલીવરી શરૂ કરી દેવાઈ છે પરંતુ પોલીસતંત્રની સતર્કતાના કારણે અનેક બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે શિયાળાની શરૂ થતાં જ પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે અને ફાર્મ હાઉસો, પાર્ટી પ્લોટો તથા કલબો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
આ દરમિયાનમાં ગઈકાલે રાત્રે શહેરને અડીને આવેલા અડાલજ વિસ્તારમાં લગ્નપ્રસંગ નિમિત્તે નબીરાઓએ દારૂની પાર્ટી યોજી હોવાની બાતમી મળતા જ પોલીસે મોડી રાત્રે દરોડો પાડતાં જ ૧૪ યુવકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતાં. લગ્નપ્રસંગ નિમિત્તે ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઘટના સ્થળ પર પ૦થી વધુ લોકો હાજર હતાં અને તેમાં કેટલીક મહિલાઓ પણ હતી પરંતુ મહિલા પોલીસ તથા અન્ય સ્ટાફે તમામની તપાસ કરતા માત્ર ૧૪ યુવકો જ દારૂ પીધેલા પકડાયા હતાં. આ તમામની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાના પગલે પરિવારજનોએ ભારે દોડધામ કરી મુકી હતી અને લગ્નપ્રસંગમાં પહેલા જ વિક્ષેપ પડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે લગ્નની સીઝન પુરબહારમાં ચાલી રહી છે અમદાવાદ શહેરમાં લગ્નપ્રસંગે અનેક સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે જયારે કેટલાક સ્થળો પર દારૂની મહેફિલો પણ યોજાતી હોય છે શહેર પોલીસતંત્ર લગ્ન સ્થળની આસપાસ વોચ રાખતું હોય છે.
શહેરના અડાલજ પોલીસ સ્ટેશન હેઠળના બગા પેટ્રોલપંપની સામે આવેલ સોહમ કોલ્ડ સ્ટોરેજના ગ્રાઉન્ડમાં ગઈકાલે રાત્રે પ૦ થી વધુ યુવક યુવતિઓ એકત્ર થયા હતા અને તેઓ ક્રિકેટ મેચ રમતા હતાં. ઘાટલોડિયામાં રહેતા કેવીન પટેલની બહેનના લગ્ન હોવાથી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પરિવારના સભ્યો ઉપરાંત પરિચિત લોકો હાજર હતાં.
અડાલજ પોલીસને બાતમી મળી હતી કે બગા પેટ્રોલપંપની સામે આવેલા મેદાનમાં ક્રિકેટ મેચની સાથે સાથે દારૂની મહેફિલ પણ યોજાઈ રહી છે જેના પગલે ગઈકાલ રાતથી પોલીસની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. કોલ્ડ સ્ટોરેજના ગ્રાઉન્ડમાં યુવક-યુવતિઓ ક્રિકેટ મેચ રમી રહયા હતા જેમાં કેટલીક મહિલાઓ પણ ખુરશી પર બેઠેલી જાવા મળી હતી પરંતુ બાજુમાં જ આવેલા સ્થળ પર કેટલાક યુવકોની હિલચાલ શંકાસ્પદ જાવા મળી હતી
લગ્નપ્રસંગ નિમિત્તે યોજાયેલી ક્રિકેટ મેચની સાથે સાથે હાજર યુવકોએ વિદેશી દારૂની મહેફિલ પણ શરૂ કરી હતી. ૧૪ જેટલા યુવકો દારૂની મહેફિલ માણી રહયા હતાં આ દરમિયાનમાં જ અડાલજ પોલીસે દરોડો પાડતાં નાસભાગ મચી ગઈ હતી પોલીસે સમગ્ર મેદાનને કોર્ડન કરી દરોડો પાડયો હતો અને તમામ લોકોને અટકાવી દેવામાં આવ્યા હતાં પોલીસે દારૂની મહેફિલ માણતા ૧૪ યુવકોને રંગેહાથ ઝડપી લીધા હતા.
જેમાં (૧) સોહમ પ્રજાપતિ (ર) રૂમિત પટેલ (૩) અર્પિત શાહ (૪) મિલન પટેલ (પ) પાર્થ પટેલ (૬) સૌમીલ પટેલ (૭) સંકેત પટેલ (૮) ધ્રુવ પટેલ (૯) વિશ્વજીત રાણા (૧૦) નિકુલ પટેલ (૧૧) કેવિન પટેલ (૧ર) ચિરાગ પટેલ (૧૩) જીગર પટેલ (૧૪) વદિત પટેલનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ આરોપીઓને દારૂ પીધેલા ઝડપી લઈ તેઓની પાસેથી ૯ વિદેશી દારૂની ભરેલી બોટલો તથા ૭ ખાલી બોટલો કબજે કરી હતી. આ ઉપરાંત ૧૪ ફોન તથા એક એસયુવી ગાડી પણ જપ્ત કરી છે.
પોલીસે દારૂની મહેફિલ પર રેડ પાડતાં સમગ્ર મેદાનમાં અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. મહીલા પોલીસના કાફલા સાથે રેડ પાડવામાં આવી હતી અને મેદાનમાં ઉપસ્થિત તમામ લોકોને એકબાજુ ઉભા રાખી દેવામાં આવ્યા હતા દારૂ પીધેલા તમામ ૧૪ યુવકોને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા ત્યારે બીજીબાજુ મેદાનમાં હાજર મહિલાઓ સહિત તમામ લોકોની તપાસ શરૂ કરવામાં આવી હતી. જાકે કોઈ પણ યુવક-યુવતિ દારૂ પીધેલી હાલતમાં જાવા મળ્યા ન હતા જેના પરિણામે પોલીસે અન્ય તમામ લોકોને જવા દીધા હતા.
લગ્ન નિમિત્તે યોજાયેલી ક્રિકેટ મેચ દરમિયાન યોજાયેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડતાં ભારે સનસનાટી મચી ગઈ હતી પોલીસે દરોડો પાડતા પરિવારજનોએ દોડધામ કરી મુકી હતી
લગ્નપ્રસંગમાં જ આ પરિસ્થિતિ સર્જાતા પરિવારજનો પણ મુશ્કેલીમાં મુકાયા હતા પોલીસે પકડાયેલા તમામ ૧૪ યુવકો વિરૂધ્ધ ગુનો દાખલ કરી મેડિકલ ટેસ્ટ કરવા માટે હોસ્પિટલ લઈ ગયા હતાં. આ ઉપરાંત દારૂની બોટલો ક્યાંથી લાવ્યા તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જ પોલીસને કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.