Western Times News

Gujarati News

લોક પ્રશ્નોનો નિકાલ સમયસર થાય એવી કાર્યશૈલી વિકસાવવા આહ્વાન કરતા:કૌશિક પટેલ

મહેસુલ વિભાગને લગતી બાબતો અને વિકાસ કાર્યો અંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજતા મહેસુલ મંત્રીશ્રી

નવરચિત સિંગવડ તાલુકામાં મામતલદાર કચેરી અને કર્મચારી વસાહતની કામગીરી ઝડપથી બને એવું આયોજન કરવા સૂચના

રાજ્યના મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે આજે કલેક્ટર કચેરીમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી મહેસુલી તંત્ર ઉપરાંત જિલ્લાના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી હતી. તેમણે વિકામ કામો ઉત્તમ ગુણવત્તાયુક્ત થાય અને સમયસર પૂર્ણ થાય એ પ્રકારે આયોજન કરવા સૂચનાઓ આપી હતી. લોકોના પ્રશ્નોનો નિકાલ સમયસર થાય એવી કાર્યશૈલી વિકસાવવા મંત્રીશ્રીએ આ બેઠકમાં ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં મહેસુલ મંત્રી શ્રી પટેલે નવરચિત સિંગવડ તાલુકામાં મામતલદાર કચેરી અને કર્મચારી વસાહતની કામગીરી ઝડપથી બને એ રીતે આયોજન કરવા સૂચના આપી હતી. નગરોમાં જ્યાં સ્થળે જંત્રીમાં વિસંગતાઓ જોવા મળે છે, ત્યાં સુધારા વધારા કરવાની સત્તા કલેક્ટર પાસે છે, મહેસુલી તંત્ર આવી ફોલ્ટી જંત્રીઓને જરૂરી તપાસ કરી સુધારા વધારા કરી શકે છે, તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.

તેમણે દાહોદ જિલ્લાના જનપ્રતિનિધિ દ્વારા થયેલી લોકહિતની રજૂઆતોની મંત્રીશ્રી  વિસ્તૃત સમીક્ષા કરી હતી.  તેમણે મહેસુલી અધિકારીઓ પાસેથી સરકારી જમીનો ઉપર થયેલા દબાણોનું લિસ્ટ કેવી રીતે બનાવી શકાય એ બાબતના પ્રતિભાવો પણ જાણ્યા હતા. આવા દબાણો શોધવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.

શ્રી કૌશિક પટેલે આ ઉપરાંત દાહોદ જિલ્લામાં વૃક્ષારોપણ, ગ્રામ વિકાસના કાર્યો, સ્વચ્છતા અભિયાન, એરપોર્ટ, આઇઓઆરએ, આવાસ યોજના, પ્રાયોજના અંતર્ગત વિકાસ કામોની સમીક્ષા કરી હતી અને ઉપયોગી સૂચનો કર્યા હતા.બેઠક દરમિયાન, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પણ મંત્રીશ્રીને લોકહિતની મહત્વપૂર્ણ બાબતોથી અવગત કરાવ્યા હતા.

કલેક્ટર શ્રી વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, અધિક કલેક્ટર શ્રી સી. બી. બલાત અને શ્રી ગેલાત સહિતના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.